Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કચ્છમાંથી ઝડપાયેલ બીએસએફનો જવાન પાકિસ્તાન ગયો હતો- વ્હોટ્સ એપ દ્વારા જાસૂસીની માહિતી : ભારતીય સીમ કાર્ડ પાકિસ્તાની શખ્સને આપ્યું, જાસૂસીના રૂપિયા ભાઈ અને તેના મિત્રના બેંક ખાતામાં જમા કરાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ) સરહદી કચ્છ જિલ્લામાં બીએસએફનો જવાન જાસૂસી કરતાં ઝડપાઈ જતાં ચકચાર સર્જાઈ છે. ગાંધીધામમાં તૈનાત બીએસએફની ૭૪, એ બટાલિયનનો આ જવાન સજ્જાદ મોહંમદ ઇમ્તિયાઝ મૂળ ગામ સરૂલા, તા. મંજાકોટ , જિલ્લો રાજૌરી કાશ્મીરનો છે.  ૨૦૧૨ માં બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલ સજ્જાદ હમણાં જ જુલાઈ ૨૦૨૧ માં તેની બટાલિયન ગાંધીધામમાં તૈનાત થતાં અહી કચ્છ સરહદે આવ્યો હતો. મૂળ કાશ્મીરી એવા આ જવાને બીએસએફ માં તેની જન્મતારીખ આધારકાર્ડ દ્વારા ૧/૧/૯૨ દર્શાવી છે. જ્યારે તેના પાસપોર્ટ માં એફિડેવિટ કરી જન્મ તારીખ ૩૦/૧/૮૫ દર્શાવી છે. દરમ્યાન તે આ પાસપોર્ટ ઉપર ૧/૧૨/૨૦૧૧ થી ૧૬/૧/૨૦૧૨ એમ ૪૬ દિવસ પાકિસ્તાન ગયો હતો. સજ્જાદ ત્રિપુરામાં ફરજ બજાવતો હતો ત્યારથી તેના ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા જાસૂસી બદલ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. તપાસની વિગતો પ્રમાણે સજ્જાદે ત્રિપુરામાં ફરજ દરમ્યાન ભારતનું મોબાઈલ સીમ કાર્ડ મેળવી તે દુશ્મન દેશ પાકિસ્તાનના કોઈ શખ્સને આપ્યું છે. જેના પાકિસ્તાની શખ્સ વ્હોટ્સ એપ ના માધ્યમથી અહીં સંપર્કમાં છે. આમ, ભારત વિશેની માહિતી દુશ્મન દેશ પાસે પહોંચી રહી હતી.   તેના બદલામાં સજ્જાદ ને જે રૂપિયા મળતાં તે પોતાના ભાઈ વાજિદ અને તેના મિત્રના બેંક એકાઉન્ટમાં તે જમા કરાવતો હતો. પાકિસ્તાન દ્વારા આપણા દેશની સુરક્ષા એજન્સીઓના જવાનો પાસેથી જાસૂસી કરાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હમણાં જ મૂળ ગુજરાતનો જવાન પણ જાસૂસી કરતાં ઝડપાઈ ગયો હતો. હવે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં થી જવાન જાસૂસી કરતાં ઝડપાયો છે. ગુજરાત એટીએસના એસપી ઈમ્તિયાઝ શેખ, ડીવાયએસપી બળવંતસિંહ ચાવડા, પીઆઈ વી.બી. પટેલે આ જવાનની ધરપકડ કરી હજી વધુ તપાસ હાથ ધરી છે.

(6:15 pm IST)