Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે યોજાનારો ‘‘ક્રેડિટ આઉટરીચ’’ કાર્યક્રમ

વિવિધ બેંકો દ્વારા સ્થળ પર જ લોન વિતરણ, ઔદ્યોગિક માર્ગદર્શન અને રાજય સરકારની યોજનાકીય માહિતી-માર્ગદર્શન અપાશે

   રાજકોટ :રાજકોટ જિલ્લાના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આવતી કાલે ૨૬ ઓકટોબરે ‘‘ક્રેડિટ આઉટરીચ’’ કાર્યક્રમ યોજાશે.
 રાજકોટના કરણપરા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડીંગમાં સવારે ૧૦.૦૦ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના,  સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, અન્ય એમ.એસ.એમ.ઇ.  દરખાસ્તો, પ્રધાનમંત્રી સ્વનિધિ,  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વિવિધ પ્રકારની લોન તથા તમામ પ્રકારની સામાજિક સુરક્ષા સંબંધી યોજનાઓની માહિતી વિવિધ સરકારી વિભાગો દ્વારા આપવામાં આવશે. વિવિધ અગ્રણી બેંકો દ્વારા નાના ઉદ્યોગકારોને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થળ પર જ લોન વિતરણ કરવામાં આવશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.
   આ કાર્યક્રમમાં રાજકોટ શહેર તથા જિલ્લાના નાના ઉદ્યોગકારો, વિવિધ ઔદ્યોગિક એસોસીએશન્સના હોદ્દેદારો, સ્થાનિક ઉદ્યોગ સાહસિકો વગેરેને આ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે.વી.મોરીની યાદીમાં જણાવાયું છે.

(7:52 pm IST)