Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સૌરાષ્ટ્રમાં રવિ પાકનું સૌથી વધુ વાવેતર અમરેલી જિલ્લામાં : રાજકોટ ત્રીજા ક્રમે

અમરેલીમાં ૧૧૧૦, જૂનાગઢમાં ૯૭૭, રાજકોટમાં ૬૮૧, સોમનાથમાં ૬૪૭, પોરબંદરમાં ૪૧૯ હેકટરમાં શિયાળુ વાવણી : ખેડૂતોને મુખ્યત્વે ચણા, ઘઉંં, જીરૂ ઉંગાડવામાં રસ : શેરડીનું વાવેતર એક માત્ર ગિર સોમનાથ જિલ્લામાં

રાજકોટ તા. ૨૪ : સૌરાષ્ટ્રમાં શિયાળુ પાકનું વાવેતર પૂર્ણતા તરફ છે. સપ્ટેમ્બરના સારા વરસાદના કારણે ડેમોમાં અને તળમાં પુષ્કળ પાણી છે તેથી ખેડૂતો સારી આશાએ રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જેમ ખરીફ પાક તરીકે મુખ્યત્વે મગફળી અને કપાસ છે તે રીતે શિયાળુ પાક તરીકે મુખ્યત્વે ચણા, મગફળી અને જીરૂ છે. તા. ૨૨ નવેમ્બર સાંજ સુધીના રાજ્ય સરકારના આંકડાઓ મુજબ સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લાઓમાં કુલ ૬૦૯૯ હેકટરમાં વાવેતર થયું છે. તે પૈકી ૩૦૯૧ હેકટરમાં ચણા, ૧૧૨૦ હેકટરમાં પિયત ઘઉંં, ૩૪૬ હેકટરમાં ધાણા, ૪૦૮ હેકટરમાં જીરૂ વગેરે વાવેતરનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના દરેક ઝિલ્લામાં ચણાનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણ સાનુકૂળ રહે તો ઉંનાળામાં સૌરાષ્ટ્રની અનાજ બજારો ચણાથી ઉંભરાય તેવા સંજોગો છે. ચણાનું સૌથી વધુ ૭૦૦ હેકટરમાં વાવેતર અમરેલી જિલ્લામાં થયું છે. બીજા ક્રમે જૂનાગઢ જિલ્લો છે. ત્યાં ૫૮૧ હેકટરમાં ચણાનું વાવેતર છે. રાજકોટ જિલ્લામાં ૩૫૫ હેકટરમાં ચણા વાવવામાં આવ્યા છે. રાઇ માત્ર ૩ જિલ્લાઓમાં વાવવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરમાં ૫૪, મોરબીમાં ૨૫ અને દ્વારકા જિલ્લામાં ૧૫ હેકટરનો સમાવેશ થાય છે. જીરૂ ગિર સોમનાથ અને ભાવનગર સિવાઇ બધા જિલ્લાઓમાં ઓછાવત્તા પ્રમાણમાં વાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં જીરાનું કુલ વાવેતર ૪૦૮ હેકટરમાં થયું છે. ડુંગળી ૨૯૯ હેકટરમાં વાવવામાં આવી છે. ૧૧૯ હેકટરમાં શાકભાજી અને ૪૦૩ હેકટરમાં ઘાસચારો ઉંગાડવાની ખેડૂતોએ આશા રાખી છે. શેરડી એકમાત્ર સોમનાથમાં વાવવામાં આવી છે. અમૂક વિસ્તારોમાં હજુ શિયાળુ વાવેતર ચાલુ હોવાથી વાવેતરના કુલ આંકડામાં વધારો થઇ શકે છે.
આખા રાજ્યમાં બે દિવસ પહેલાની સ્થિતિએ કુલ ૬૦૯૯ હેકટરમાં રવિ પાકના બીજ રોપાયા છે. જેમાં સૌથી વધુ ૬૦૯૯ હેકટર સૌરાષ્ટ્રના છે. ઉંત્તર ગુજરાતમાં ૪૮૪૫, મધ્ય ગુજરાતમાં ૨૧૧૦ અને દક્ષિણ ગુજરાતમાં ૧૬૦૫ હેકટરમાં શિયાળુ વાવેતર નોંધાયું છે.

 

(11:24 am IST)