Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વડિયામાં સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજની માંગણીને ફરી સરકારમાં દોહારાવતા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ

મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને કરાઇ હતી લેખિત, હવે કરાઇ રૂબરૂ રજુઆતઃ ગ્રામીણ વિદ્યાર્થીઓના હિત માટે સરકારી સાયન્સ સ્કૂલ અને કોલેજ માટે પૂર્વ મંત્રી સતત પ્રયત્નશીલ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૨૫: અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયામાં તાલુકા કક્ષાની મોટાભાગની કચેરીઓ કાર્યરત છે.રાજયના મોટાભાગના તાલુકા મથક પર ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ સરકાર દ્વારા આપવમાં આવે છે. વડિયામાં પણ ભૂતકાળમાં ગ્રાન્ટેડ કોલેજ અને ખાનગી સાયન્સ સ્કૂલની સુવિધાઓ હતી જે કોઈ કારણો સર તે કોલેજની માન્યતા રદ કરવામાં આવતા છેલ્લા ૧૩ વર્ષથી વડિયા ઉચ્ચ શિક્ષણની સુવિધાથી વંચિત છે. રાજય સરકારની વર્ષ ૨૦૧૫-૧૬ની જાહેરાત મુજબ જે તાલુકા મથક પર કોલેજની સુવિધાઓ નથી ત્યાં કોલેજની સગવડ સરકાર આપશે.

તેવી તત્કાલીન સરકાર દ્વવારા પોલિસી જાહેર કરવામાં આવી હતી. આ પોલિસી અનુસાર વડિયા વિસ્તારના લોકનેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી તથા વર્તમાન મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને તારીખ ૨૫/૦૯/૨૦૨૧ના રોજ પત્ર લખી વડિયાને સરકારી કોલેજ અને સરકારી સાયન્સ સ્કૂલ આપવા માંગણી કરાઈ હતી. આ માટે પૂર્વ મંત્રીના પ્રયત્નથી વડિયા ગ્રામપંચાયત સંચાલિત શ્રી સુરગવાળા હાઈસ્કૂલના બિલ્ડીંગના ઉપયોગ માટે પણ સહમતી અપાઈ હતી.હાલ વડિયા માં ત્રણ ઉચ્ચતર માધ્યમિક શાળા ઓ આવેલી છે જેમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થી ઉપરાંત આસપાસ ના ગામડાઓ ના વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ધોરણ ૧૨માં અભ્યાસ કરી કોલેજના શિક્ષણ માટે જેતપુર, ગોંડલ, રાજકોટ, ભેસાણ, દેરડી, જૂનાગઢ, અમરેલી અપડાઉન કરવા મજબુર બને છે.જયારે ધોરણ દસ HSC ના હોશિયાર વિદ્યાર્થીઓ ઉંચી સાયન્સની શિક્ષણ ફી ભરવા મજબુર બને છે તો કોઈ ને નાણાંની અગવડતાના કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી.ત્યારે સ્થાનિક આગેવાનો અને લોક નેતાની દીર્દ્ય દ્રષ્ટિથી સરકારમાં આ બાબતે રજુવાત કરાઈ હતી. કોરોના કાળ પછી શાળા કોલેજો શરુ થતા વિદ્યાર્થીઓને પડતી હાલાકી જોઈ ફરી વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની રૂબરૂ મુલાકાત કરી વડિયા વિસ્તારના વિદ્યાર્થીઓને પડતી હાલાકીની રજુઆત કરી આવનારા શૈક્ષણિક વર્ષથી વડિયામાં સરકારી સાયન્સ સ્કૂલ અને સરકારી કોલેજ શરુ કરવામાં આવે તેવી માંગણી ફરી દોહરાવવામાં આવી છે.આ રજુઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા જો આ વિસ્તારના વિદ્યાર્થીને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ સરકારી કોલેજ અને સરકારી સાયન્સ સ્કૂલ ફાળવવામાં આવે તો લગભગ એક હજાર જેટલાં વિદ્યાર્થીઓને તેનો સીધો ફાયદો થઇ શકે એમ છે. અને વિદ્યાર્થીઓના સમય અને ખર્ચ પણ બચી શકે એમ છે.ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બાળકોને વિના મુલ્યે ઉચ્ચ શિક્ષણનો લાભ મળી શકે છે અને વડિયા જેવા છેવાડા તાલુકા મથક પર ખૂટતી સુવિધાઓ પણ ઉભી થઇ શકે. આ બાબતે હાલ પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકનેતા બાવકુ ઊંધાડ સતત પ્રયત્નશીલ હોવાનું જોવા મળી રહ્યુ છે.

(10:27 am IST)