Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગોંડલના રીબડા પાસે અજાણી યુવતીની લાશ મળીઃ અન્ય જગ્યાએ મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી ગયાની આશંકા...

યુવતીની ઓળખ મેળવવા કવાયતઃ મોતનું કારણ જાણવા લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાઈઃ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : પ્રાથમિક તપાસમાં મગજમાં હેમરેજ થયાનું ખૂલ્યુઃ શરીર પર ઈજાના કોઈ નિશાન નથીઃ ભૂતકાળમાં અન્ય જગ્યાએ હત્યા કરી રાજકોટ જિલ્લા પોલીસની હદમાં લાશ ફેંકી ગયાના કિસ્સાઓ નોંધાઈ ચૂકયા છે

તસ્વીરમાં અજાણી યુવતીનો મૃતદેહ અને ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસ સ્ટાફ નજરે પડે છે(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૨૫ :. ગોંડલના રીબડા પાસે આજે સવારે અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર જાગી છે. બનાવ હત્યાનો હોવાની આશંકાએ પોલીસે છાનભીન્ન શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ-રાજકોટ હાઈવે ઉપર આવેલ રીબડા ગામ સામે નેશનલ હાઈવેથી ૧૦૦ ફૂટ દૂર એક યુવતીની લાશ પડી હોવાની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરાતા તાલુકાના પીએસઆઈ મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક યુવતીની ઓળખ થઈ શકે તેવા કોઈ પુરાવા ન મળતા પોલીસે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

તાલુકા પોલીસે મૃતક યુવતીની લાશને પીએમ માટે ગોંડલ હોસ્પીટલમાં ખસેડી હતી. જ્યાં તબીબોના પ્રાથમિક તારણમાં આ યુવતીનું બ્રેઈનહેમરેજથી મોત થયાનું ખુલ્યુ હતું. જો કે કાન અને નાકમાં લોહી જોવા મળતા તેમજ આ યુવતીના શરીર પર અન્ય કોઈ જગ્યાએ બાહ્ય ઈજાના નિશાન જોવા ન મળતા આ યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાઈ છે.

તાલુકા પોલીસે રાજકોટ જિલ્લા તથા આજુબાજુના જિલ્લા પોલીસ મથકમાં ગૂમ થયેલ યુવતીઓ અંગે તપાસ હાથ ધરી મૃતક યુવતીની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.

દરમિયાન ઘટના સ્થળે જ્યાંથી યુવતીની લાશ મળી છે તે સ્થળે કોઈ વાહન મળેલ નથી કે ઘટના સ્થળની આસપાસ અકસ્માત થયો હોય તેવા કોઈ વાહનોના નિશાન જોવા ન મળતા આ યુવતીની અન્ય જગ્યાએ મોતને ઘાટ ઉતારી તેની લાશને રીબડા પાસે ફેંકી દેવાયાની પોલીસને આશંકા છે.

ભૂતકાળમાં અન્ય જગ્યાએ મોતને ઘાટ ઉતારી રાજકોટ જિલ્લા પોલીસની હદમાં લાશ ફેંકી દેવાયાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકયા છે. આ કિસ્સામાં પણ તેવુ હોવાની પોલીસને શંકા છે. ફોરેન્સીક પીએમ રીપોેર્ટ આવ્યા બાદ પોેલીસ ચોક્કસ તારણ પર પહોંચશે.

(3:29 pm IST)