Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

આમરણથી પીપળીયા વચ્ચેનો જામનગર-કંડલા કોસ્ટલ હાઈવે સદંતર બિસ્માર

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા. ૨૫ :. આમરણ ખાતેથી પસાર થતો દરિયાઈ કાંઠાળ જામનગર-કંડલા કોસ્ટલ હાઈવે છેલ્લા ત્રણ વર્ષ થયા સદંતર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હોવા છતા નિંભર તંત્ર દ્વારા કશું ધ્યાન અપાતુ ન હોવાથી વાહનચાલકો અને પ્રજાજનો અસહ્ય હાડમારીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા લાંબા સમયથી પીપળીયા (ચાર રસ્તા)થી હજનારી સુધીનો ૮ કિ.મી. માર્ગ તેમજ આમરણથી થાવરિયાદાદાની જગ્યા સુધીનો ૩ કિ.મી. માર્ગ સંપૂર્ણ બદથી બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે. શરીરના મણકા નોખેનોખા કરી નાખે એવા આ માર્ગમાં નાના મોટા ખાડાઓ - ગાબડાઓ સિવાય કશું બચ્યુ નથી. ડામર માર્ગનું નામોનિશાન જોવા મળતુ નથી. એકંદર ૧૧ કિ.મી.નો માર્ગ પસાર કરવો દોજખ સમાન બની ગયો છે. આ માર્ગ પર પસાર થતી વખતે અકસ્માતોની ઘટના અને વાહનોના યાંત્રિક ભાગો તૂટી જવાને કારણે નાના મોટા વાહનો રસ્તાની વચ્ચે જ ફસાઈ જતા હોવાને કારણે ટ્રાફિકજામ થવો એ હવે રોજીંદુ બની ગયુ છે. સંવેદનશીલ સરકારમાં જનતા લાચારીનો અનુભવ કરી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ એક વર્ષ પહેલા પૂર્વ સરકારના નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પીપળીયા (ચાર રસ્તા)થી આમરણ સુધીના ૨૦ કિ.મી.ના આ માર્ગને રિકાર્પેટ કરવાના કામને મંજુરી પણ મળી ચૂકી છે તથા કોન્ટ્રાકટ કામ પણ અપાઈ ચૂકયુ છે, ત્યાર બાદ વારંવારની રજૂઆત પછી તાજેતરમાં દિવાળી પછી કામ શરૂ થઈ જશે તેવી હૈયાધારણા પીડબલ્યુડી વિભાગ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી નર્ક સમાન યાતના આપતા દોજખ ભરેલા માર્ગ અંગે તંત્ર દ્વારા કશી ગતિવિધિ જોવા મળતી નથી. નવી સરકારના માર્ગ-બાંધકામ વિભાગના મંત્રીશ્રી દ્વારા બિસ્માર માર્ગ સંબંધે વોટસએપ ફરીયાદની સરાહનીય પહેલ પછી પણ ઉપરોકત માર્ગની હાલતમાં કશો સુધારો જોવા મળતો નથી. પ્રજાના પીડાકારક પ્રશ્ને નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલુ છે. પ્રજા લાચાર બની ત્રાસદાયક પીડાને મૂંગા મોઢે સહન કરી રહી છે.

(12:51 pm IST)