Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

મોરબી-માળીયા વિસ્તારમાં ૫.૩૫ કરોડના વિકાસ કામો મંજૂર કરાવતા મેરજા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: મોરબી-માળીયા (મી) વિસ્તારમાં રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ ૫.૩૫ કરોડના રસ્તા અને નાલા-પુલીયાના કામો મંજૂર કરાવતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે.

મોરબી તાલુકાના નોન પ્લાન વિરાટનગર (રંગપર) એપ્રોચ રોડ જોઈનીંગ ટુ હરીપર (કે)થી ગાળા રોડ અંદાજે રૂપિયા ૧.૮૫ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. તે જ રીતે મોરબી તાલુકાના વિરપરડા ગામના પાટીયાથી હજનાળી સુધીના રસ્તાને ૩.૭૫ મીટરની પહોળાઈમાં મેટલીંગ, રીકાર્પેટ, સીલકોટ તથા નાળા પુલીયા સહિતનો રોડ અંદાજે રૂપિયા ૫૦ લાખના ખર્ચે મંજૂર કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી તાલુકાના નેશનલ હાઈવેથી કેરાળા હરીપર રોડ પર આવતા મેજર બ્રીજ અંદાજે રૂપિયા ૨ કરોડના ખર્ચે તથા માળિયા (મી) તાલુકાના ભાવપર બગસરા રોડ પર આવતા માઈનોર બ્રીજનું કામ રૂપિયા ૧ કરોડના ખર્ચે મંજૂર કરાવવામાં આવતા ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓએ મંત્રી બ્રિજેશ મેરજાનો આભાર વ્યકત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી-માળીયા(મી) તાલુકામાં છેલ્લા એક મહિનામાં અંદાજે રૂપિયા ૫૪ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી છે ત્યારે મોરબી-માળીયા (મી) વિસ્તારના લોકોને રસ્તાની સારી સુવિધા આપવા માટે મંત્રી પાસે નોન પ્લાન (કાચા)થી ડામર રોડ તથા છેલ્લા વર્ષથી રીસરફેસીંગ ના થયેલ હોય તેવા રોડ તથા કોઝવે અને પુલીયાના રૂપિયા ૫.૩૫ કરોડના કામો મંજૂર કરાવવામાં આવ્યા છે.

(12:28 pm IST)