Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભુજના મીરજાપર ગામે ગટરના ઝેરી ગેસથી સાળા બનેવીના મોત

બન્ને સફાઈ કામદાર ગટર સાફ કરવા ઉતર્યા હતા : ૬ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી : પીએમ માટે આગ્રહ, પંચાયત ઉપર બેદરકારીનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪

 ભુજની ભાગોળે આવેલા મીરજાપર ગામે ગ્રામ પંચાયતની ભૂગર્ભ ગટરમાં ગટરની સફાઈ માટે ઉતરેલા બે સફાઈ કામદારોના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક બન્ને સાળા બનેવી હતા. ઝેરી ગેસથી ગુંગળાઈને બન્નેના મોત થયા હતા. બન્ને મૃત્દેહ ભુજ નગરપાલિકાના ફાયર વિભાગે બહાર કાઢ્યા હતા. ગ્રામપંચાયત હસ્તકની ગટર યોજનાના સફાઈ કામ માટે ઉતરેલા ભરત રવિલાલ અઠવા (ઉ.૨૯) અને રવિ રાજુ મારવાડી બન્ને મૃતક યુવાનો સબંધમાં સાળો અને બનેવી હતા. અવારનવાર પંચાયતની ગટર સાફ કરતા હતા. ગઇકાલે બનેલા બનાવમાં મોત થયા બાદ તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી પોસ્ટ મોર્ટમ કરવા આગ્રહ કર્યો હતો. તેમ જ પંચાયત ઉપર બેદરકારીનો આક્ષેપ કરી જવાબદારોને સજા આપવા માંગ કરી હતી. આ આક્રોશ બાદ આજે બન્નેના પીએમ થશે.  આ બનાવ અંગે ભુજ એ ડીવીઝન પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:05 am IST)