Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નિઃસહાય વડીલોનું સપનું સાચું ઠર્યુ, વિમાન દ્વારા ભાવનગરથી મુંબઈ હવાઈ યાત્રા માણી

ઓમ સેવા ધામ સંસ્‍થાનો સરાહનીય પ્રયાસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫ : ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્‍થામાં વસતા નિરાધાર નિઃસહાય વડીલોએ ભાવનગરથી મુંબઈની હવાઈ મુસાફરી કરી હતી. આ સંસ્‍થામાં વસતા વડીલો કે જેઓ એકલવાયું જીવન જીવી રહ્યા છે, તેઓનું આ દુનિયામાં કોઈ આશરો કે સહારો નથી તેઓ આ ઉંમરે પોહચતા પોહચતાં એકલા દુઃખના દિવસો પસાર કરી અને આ ઢળતી ઉંમરે પોહચ્‍યા ત્‍યારે આવા સંઘર્ષ બાદ તેઓને પરિવાર પણ છીનવાઈ ગયો અને તેઓ નિરાધાર નિઃસહાય બન્‍યા સાથોસાથ તેઓનું શરીર પણ સાથ આપતું ન હોય ત્‍યારે આ જિંદગી જીવવી ભારે કઠોર બની જાય છે આ સમયે ઓમ સેવા ધામ માં પોતાનું બાકી રહેલું જીવન વિતાવવા અહીં આશરો લઈ રહ્યા છે.ઓમ સેવા ધામના પ્રમુખ ડૉ.વિજયભાઈ કંડોલિયા અને ઉપપ્રમુખ અમીબહેન મહેતા દ્વારા વડીલોની છેલ્લી ઢળતી જિંદગી આનંદમય અને સુખમય બની રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. તેઓના ભૂતકાળના ખરાબ દિવસોને ભુલાવી નવી જિંદગી જીવવા માટે તેઓમાં ઉત્‍સાહ, ઉમંગ અને હર્ષ તેમજ આરામદાયક જિંદગી જીવી શકે તેવા સમયાંતરે કાર્યક્રમો યોજાય છે.

જેના ભાગરૂપે વડીલોએ પ્‍લેનમાં મુસાફરી કરવાની એક ઈચ્‍છા વ્‍યક્‍ત કરેલી જેથી આ સંસ્‍થા દ્વારા આ વડીલોને ભાવનગરથી મુંબઈ વિમાન દ્વારા સફળતાપૂર્વક યાત્રા કરાવવામાં આવી હતી. જેમાં સંસ્‍થાના ૪૪ વડીલોને સરસ મજાના સૂટ સાડીમાં સજજ કરી વિમાન દ્વારા ભાવનગર થી મુંબઈ હવાઈ મુસાફરી કરાવાય હતી. આ માટે અનેક સેવાભાવી લોકો  પ્રત્‍યક્ષ કે પરોક્ષ સહયોગી બન્‍યા હતા.

આ દરમિયાન  મુંબઈમાં ત્રણ દિવસનું રોકાણ કરી વડીલોને અલગ અલગ સ્‍થળોની મુલાકાત કરાવી હતી. સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી મંદિર, ગેટવે ઓફ ઇન્‍ડિયા, તાજ હોટલ, જુહુ બીચ અને બિગ બી અમિતાભ બચ્‍ચનના ઘરની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગ દરમિયાન વડીલોને ભાવનગર એરપોર્ટ ખાતે હર્ષના આંસુઓ આવી ગયા હતા કારણકે આ વડીલો એ જિંદગીમાં કયારે પ્‍લેનને નજીકથી જોયું પણ ન હતું ત્‍યારે તેઓને પ્‍લેનમાં બેસવાની ક્ષણ આવી ત્‍યારે તેઓ ભારે ગદગદિત થઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર એરપોર્ટના અધિકારીઓ અને સ્‍ટાફ પણ ભાવુક થઈ ગયા હતા. ભાવનગર એરપોર્ટ ઇન્‍ચાર્જ મનિષકુમાર અગ્રવાલ સાહેબ તેમજ સ્‍પાઈસ જેટ ના ઇન્‍ચાર્જ વંદનાબેન તેમજ તેઓના સ્‍ટાફ દ્વારા વડીલોને સુખમય મુસાફરી કરવાની શુભેચ્‍છા પાઠવી હતી તેમજ અધિકારીઓએ વડીલો સાથે વાતચીત કરી અને વડીલોને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ હવાઈ મુસાફરીને સફળ બનાવવા માટે સંસ્‍થાના પ્રમુખ ડૉ.વિજયભાઈ કંડોલિયા, અમીબહેન મહેતા, વર્ષાબહેન ગોહેલ, બીપીનભાઈ ઝાલા તેમજ સંસ્‍થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(11:01 am IST)