Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વડિયામાં પૂર્વ સરપંચ ઢોલરીયા પરિવારે લગ્નોત્‍સવમાં રક્‍તદાન કેમ્‍પ યોજી સેવાની જ્‍યોત પ્રગટાવી અનોખો રાહ ચિંધ્‍યો

 વડિયાઃ વડિયા શહેર માં પૂર્વ સરપંચ રમાબેન છગનભાઇ ઢોલરીયા  પરિવારના લાડકવાયા દિકરા ‘પવન'ના શુભ લગ્નપ્રસંગે આ પરિવાર એક અનોખો સેવાકીય રાહ લોકોને ચિંધતા જોવા મળ્‍યો છે. ઢોલરીયા પરિવાર દ્વારા પુત્રના લગ્નોત્‍સવમાં મંડપ રોપણ અને ભોજન સમારંભ ના દિવસે મહેમાનો અને લોકોના મેળવડા સમયે રક્‍તદાન મહાદાન સમજી એક અનોખી શીખ આપવા માટે  રક્‍તદાન કેમ્‍પનુ આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જેમા રાજકોટ ની નેશનાલીટી ડેવલોપમેન્‍ટ ફાઉન્‍ડેશન સંચાલિત ફિલ્‍ડ માર્શલ બ્‍લડ સેન્‍ટર દ્વારા રક્‍તદાન કલેક્‍ટ કરવાની સેવા અપાઈ હતી. આ સાથે સ્‍થાનિક સેવાકીય આગેવાનો અને ઢોલરીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવી લગ્નોત્‍સવમાં રક્‍ત ની ૫૧ બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે મહેમાનો અને ગામલોકો દ્વારા ઉમળકાભેર રક્‍તદાન કર્યું હતુ. આ તકે પૂર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા અને વરરાજા ‘પવન'નો સંપર્ક કરતા તેમણે દેશના તમામ લોકોને પોતાના શુભ પ્રસંગોમાં આવા રક્‍તદાન કેમ્‍પ કરી દેશ માં રહેલી હોસ્‍પિટલો અને ગંભીર રોગો માટે પીડાતા દર્દીઓને લોહી જરૂરિયાત પૂર્ણ કરવા સહકાર આપી આવી સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાવું જોઈએ. ઢોલરીયા પરિવાર ના આ લગ્નોત્‍સવમાં દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, ગોપાલ અંટાળા સહીત સામાજિક, રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુભાઇ વોરાઃ વડિયા)

(11:28 am IST)