Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મુળી સ્વામિનારાયણ મંદિર દ્વારા બ્રહ્માનંદ નગરના ઉત્સવ નિમિત્તે રૂટ ડ્રાયવર્ટ તથા અન્ય બાબતો અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

સુરેન્‍દ્રનગર:મુળી સ્વામિનારાયણ મંદિર દ્વારા બ્રહ્માનંદ નગરના ઉત્સવ નિમિત્તે દરરોજના એક લાખથી વધુ હરિભક્તો મંદિરના દર્શન અર્થે તેમજ બ્રહ્માનંદ નગરની મુલાકાતે આવતા હોય ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મુળી ગામમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ ટ્રાફિક ડ્રાયવર્ટ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

  આ જાહેરનામા દર્શાવ્યા પ્રમાણે થાન -વગડીયા તરફથી આવતા ભારે વાહનોએ મુળી સામા કાંઠે થઈ મુળી રેલવે સ્ટેશનથી ગૌતમગઢ થઈ કુકડા પાસે સ્ટેટ હાઇવે પરથી સુરેન્દ્રનગર - રાજકોટ જવાનું રહેશે તેમજ સુરેન્દ્રનગર -રાજકોટથી વગડીયા -થાન તરફ પરત થવાનું રહેશે.સરા - સરલા તરફથી આવતા ભારે વાહનોએ મુળી રેલવે સ્ટેશનથી ગૌતમગઢ થઈ કુકડા પાસે સ્ટેટ હાઇવે પરથી સુરેન્દ્રનગર -રાજકોટ તરફ જવાનું રહેશે તેમજ સુરેન્દ્રનગર -રાજકોટ થી સરલા- સરા તરફ પરત થવાનું રહેશે.ટુ વ્હીલર થ્રી વ્હીલર તથા ભારે વાહનો તેમજ નાની ગાડીઓ વગેરે વાહનોએ ટ્રાફિક નિયમન નિયંત્રણને ધ્યાનમાં રાખી ૨૦ કિલોમીટરની સ્પીડથી ચલાવે તે માટે રુટને  ” સ્પીડ લિમિટ ઝોન" જાહેર કરવામાં આવે છે. ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આયોજકો દ્વારા આપવાનો રહેશે.

આ રૂટ પર  ઇમર્જન્સી વાહનો, એમ્બ્યુલન્સ,પોલીસ વાહનો, સરકારી વાહનોને પ્રવેશ માટે મુક્તિ આપવામાં આવશે. આ જાહેરનામુ તા.૨૬/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(12:57 am IST)