Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

બોટાદમાં રાજ્‍યકક્ષાના પ્રજાસત્તાક પર્વની આચાર્ય દેવવ્રતજી અને ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં ઉજવણી

રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પરેડ નિરીક્ષણ કર્યું : ૨૮ વિવિધ પ્‍લાટુનના ૯૨૦ જેટલા જવાનોએ શિસ્‍તબધ્‍ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી : વાયુદળના હેલિકોપ્‍ટર દ્વારા ધ્‍વજવંદન સમયે પુષ્‍પવર્ષા કરીને તિરંગાને સન્‍માન આપવામાં આવ્‍યું : બોટાદની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓએ વીરરસથી ભરપૂર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા : ડોગ શો, અશ્વ જવાનો અને બાઇકસવાર જવાનોના સ્‍ટંટ, મહિલા પોલીસકર્મીઓની રાઇફલ ડ્રીલ, મલખમ સહિતના કરતબો જોઇને બોટાદવાસીઓ મંત્રમુગ્‍ધ થયા : બોટાદ ખાતે રંગેચંગે અને ઉમંગે યોજાયો પ્રજાસત્તાક પર્વ રાજ્‍ય મહોત્‍સવ

બોટાદ તા. ૨૭ : બોટાદ ખાતે  ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્‍વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્‍ટર દ્વારા ધ્‍વજવંદન સમયે પુષ્‍પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્‍માન આપવામાં આવ્‍યું હતું. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. ૨૮ વિવિધ પ્‍લાટુનના જવાનોએ શિસ્‍તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપીને ઉપસ્‍થિત સૌને દેશભક્‍તિના રંગે રંગ્‍યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વિશેષ પહેલ અંતર્ગત મધ્‍યપ્રદેશની પોલીસ પ્‍લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો.

આ પાવન અવસરે પરેડ દરમિયાન ભારતીય કોસ્‍ટ ગાર્ડ, ગુજરાત મરીન કમાન્‍ડો, ચેતક કમાન્‍ડોઝ, બોટાદ જિલ્લા પોલીસ પ્‍લાટુન,  ભાવનગર જિલ્લા પોલીસ પ્‍લાટુન, રાજકોટ જિલ્લા મહિલા પોલીસ પ્‍લાટુન, ગુજરાત જેલ પુરુષ પ્‍લાટુન, શ્વાનદળ, અશ્વદળ, બેન્‍ડદળ સહિત ૨૮ પ્‍લાટુનોમાં ૯૨૦ જેટલાં સુરક્ષા દળના જવાનો સહભાગી બન્‍યા હતા. આ ઉપરાંત ચેતક કમાન્‍ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક મોટર સાઈકલ સ્‍ટંટ શો તેમજ રાજયના ગૌરવવંતા શ્વાનદળ તેમજ અશ્વદળ એ વિવિધ સ્‍ટંટસ સાથે કૌવત અને કૌશલ્‍ય દેખાડ્‍યું હતું.

રાજય પોલીસ વિભાગ દ્વારા સંગીતના તાલે લાઠી ડ્રિલ તેમજ મલખમ દ્વારા અદ્વિતીય શૌર્ય અને શક્‍તિનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. ૧૦ કિલોથી વધુ વજન ધરાવતી રાઈફલ્‍સ સાથે મહિલા પોલીસ કમાન્‍ડોએ સુંદર કરતબોની પ્રસ્‍તુતિ દ્વારા સૌ કોઈને રોમાંચિત કર્યા હતા. મહિલા અને પુરુષ પોલીસ જવાનો દ્વારા ગુજરાત, પંજાબ, રાજસ્‍થાન સહિતના પાંચ રાજયોના વિવિધ પરંપરાગત નૃત્‍યની પ્રસ્‍તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાંસ્‍કૃતિક કાર્યક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડમાં ઉપસ્‍થિત સૌ કોઈને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

બોટાદની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ પ્રખ્‍યાત રચના ‘ચારણ કન્‍યા', વંદન તુજને મા ભારતી ગીત, કાનુડો કાળજાની કોર ગરબાના તાલ સાથે નૃત્‍યપ્રસ્‍તુતિ થકી બોટાદવાસીઓને ડોલાવ્‍યા હતા.

રાજયપાલશ્રીના હસ્‍તે અને મુખ્‍યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્‍થિતિમાં પરેડ કરનાર પ્‍લાટૂનમાંથી પ્રથમ ક્રમે આવનાર ચેતક કમાન્‍ડો પ્‍લાટૂન, બીજા ક્રમે આવનાર રાજકોટ ગ્રામ્‍ય મહિલા પોલીસ પ્‍લાટૂન તથા ત્રીજા ક્રમે મધ્‍યપ્રદેશ પુરુષ પ્‍લાટૂનને ટ્રોફી એનાયત કરીને સન્‍માનવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત, મોટર સાઇકલ સ્‍ટંટ શોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એસ.આર.પી.જવાનોની ટીમને તથા ડોગ શો, અશ્વ શો, પરેડ પ્‍લાટૂનમાં ઉત્‍કૃષ્ટ નિદર્શન બદલ પોલીસ જવાનોને સન્‍માનિત કરાયા હતા.

આ પ્રસંગે વયનિવૃત્ત થઈ રહેલા ગુજરાત પોલીસના અશ્વ -  ‘શૂન્‍ય'ને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના હસ્‍તે સુંદર આભૂષણ ઝૂલ પહેરાવીને સન્‍માનપૂર્વક વય નિવૃત્તિ આપવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે પરેડમાં સહભાગી થનાર તમામ જવાનો અને વિદ્યાર્થીઓ વચ્‍ચે જઈને તેમને શુભેચ્‍છા પાઠવી હતી.

આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્‍યામભાઈ વિરાણી, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્‍ય ઉમેશભાઈ મકવાણા,  ગઢડાના ધારાસભ્‍ય મહંત શંભુપ્રસાદજી ટુંડીયા, ધંધુકાના ધારાસભ્‍ય કાળુભાઇ ડાભી, જંબુસરના ધારાસભ્‍ય ડી. કે . સ્‍વામી, રાજયના મુખ્‍ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્‍યસચિવ  રાજકુમાર, રાજય પોલીસ વડા આશિષ ભાટિયા, અધિક મુખ્‍ય સચિવ એ.કે.રાકેશ, યુવા અને સાંસ્‍કૃતિક વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમાર, બોટાદ જિલ્લા  કલેકટર બીજલ શાહ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા, સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્‍યો, સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, વિવિધ સામાજિક-સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના આગેવાનો સહિત મોટી સંખ્‍યામાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને  નગરજનો  ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(3:39 pm IST)