Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે કલેકટરશ્રી કે.સી સંપટનાં અધ્યક્ષસ્થાને ૭૪ મા પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ઉજવણીઃ પાટડી ખાતે ૭૪ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે ત્રિરંગો લહેરાવી ધ્‍વજ વંદન કરતાં જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ

અનેક કીર્તિમાનો સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છેઃ કલેકટરશ્રી કે.સી સંપટ

સુરેન્‍દ્રનગરઆજે ભારતનાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી ખાતે કલેકટરશ્રી કે.સી સંપટનાં અધ્યક્ષસ્થાને ૭૪ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રી કે.સી. સંપટે પાટડી સુરજમલજી હાઈસ્કૂલ ખાતે ધ્‍વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત પણ સાથે જોડાયા હતા. આ નિમિત્તે પાટડી તાલુકાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. જિલ્લાના કૃષિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પી.જી.વી.સી.એલ સહિતના વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

આ રાષ્‍ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે સૌને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં લડાયેલી આઝાદીની લડતમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડૉ.બાબા સાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાત અને વિદ્વાનો દ્વારા આજથી ૭૩ વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું આજે ભારતના બંધારણની ૭૪ મી જયંતિ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વના લોકતંત્ર દેશો માટે આદર્શ નમૂનારૂપ બની રહ્યું છે. અનેક કીર્તિમાનો સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. G20 સમિટનું આયોજન કરી આપણે વધુ એક સફળતાનું સોપાન મેળવ્યું છે.

 

ગુજરાતની વિકાસ યાત્રા વિશે વાત કરતાં જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે, શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલતો હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત સિદ્ધિના સોપાનો સર કરી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ઇન્ડેક્સના ત્રીજા આયામમાં આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮૬ સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે ગુજરાતમાં યોજાઈ રહેલી G-20 સમિટના વિવિધ ચર્ચાસત્રો ગુજરાતના ઐતિહાસિક વિકાસને વધુ બળવત્તર બનાવશે. ગુજરાતનું ગિફ્ટ સિટી આજે દેશ અને દુનિયાની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું છે.

 

આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા કલેક્ટરશ્રીએ જિલ્લામાં પી.એમ. આવાસ યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓનાં લાભો અને તેનાથી આવેલા ફેરફારો વિશે જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા તથા કુદરતી પ્રતિકૂળતા ધરાવતો હોવા છતાં જિલ્લાના લોકો અને અધિકારી/ કર્મચારીઓની મદદથી ગુજરાતની વિકાસયાત્રામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી રહ્યો છે.

 

૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ વિભાગનાં અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લાનાં સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.આઇ. ભગલાણી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધવલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી મૌલેશભાઈ પરીખ, અગ્રણી સર્વશ્રી દિલીપભાઈ પટેલ, સોનાજી ઠાકોર સહિત રાષ્‍ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્‍થિત રહયા હતાં.

(5:44 pm IST)