Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મોરબીના બે સીરામીક કારખાનામાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા સર્ચ ઓપરેેશન

મદ્રાસમાં ઇન્કમટેકસ વિભાગે પાડેલી રેઇડનો રેલો મોરબી પહોંચ્યોઃ પીપળી રોડ ઉપર આઈ અને ટી નામથી શરૂ થતા કારખાનામાં તપાસનો ધમધમાટ

મોરબી , તા. ર૬ : આજે મોરબી શહેરના પીપળી રોડ ઉપર આવેલ બે સીરામીક ફેકટરીમાં સવારથી જ ઇન્કમટેકસ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાતા સીરામીક કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. મદ્રાસમાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા રેઇડ પાડવામાં આવતા છાનબીન દરમિયાન મોરબી કનેકશન ભાર આવતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ભાર આવ્યું છે.

સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારથી મોરબીના પીપળી રોડ ઉપર આવેલ આઈ અને ટી અક્ષરથી શરૂ થતા સિરામિકના બે કારખાનામાં ઇન્કમટેકસ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુમાં મદ્રાસમાં આયકર વિભાગ દ્વારા પાડવામાં આવેલી રેઇડ દરમિયાન મોરબીની ઉપરોકત બન્ને ફેકટરીઓનું કનેકશન ખુલતા ઇન્કમટેકસ વિભાગની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા સવારથી બે સીરામીક કારખાનાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય સીરામીક ફેકટરી માલિકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

(1:01 pm IST)