Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમરેલી અને વડીયા-કુંકાવાવ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પોલિયો અભિયાન અને વાહક જન્ય રોગચાળા સંદર્ભે બેઠક યોજાઇ

જિલ્લાના ૦ થી ૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા દરેક બાળકને તા.૨૮ને રવિવારે પોલિયો સામે રક્ષિત કરતી રસી આપવામાં આવશે

અમરેલી:અમરેલી પ્રાંત કચેરી ખાતે અમરેલી અને વડીયા-કુંકાવાવ પ્રાંત અધિકારીના અધ્યાક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આગામી તા.૨૮ મે,૨૦૨૩ને રવિવારના રોજ યોજાનાર પોલિયો અભિયાન, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાહક જન્ય રોગચાળા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જિલ્લાના ૦ થી ૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા દરેક બાળકને પોલિયો સામે રક્ષિત કરતી રસી આપવામાં આવશે. કોઈ પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે વિશેષ આયોજન કરવા બાબતે વિસ્તૃત ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. આગામી થોડા દિવસો બાદ ચોમાસાની ઋતુનું પણ આગમન થવાનું છે ત્યારે ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેંગ્યુ, ચિકન ગુનિયા જેવા રોગો તથા પાણીજન્ય રોગ ન ફેલાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જનની સુરક્ષા યોજના, કસ્તુર બા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, તબીબી સહાય યોજના વિશે પણ ચર્ચા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે કરવામાં આવી હતી. જેમના પાસે પી.એમ.જે.એ.વાય કાર્ડ કે મા વાત્સલ્ય યોજના, મા અમૃતમ યોજના કાર્ડ ધરાવતા હોય તેમને કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય તેમને નવા આવકના દાખલા કઢાવીને કાર્ડ અપડેટ અથવા નવા કઢાવી લે તે માટે ઘટતું કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અમરેલી મામલતદાર સહિતના અધિકારી અને કર્મચારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

 

(12:20 am IST)