Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભાવનગરમાં પટેલ પરિવારની ૯ વિઘા જમીન ઉપર કબજો જમાવ્‍યો

ભાવનગર,તા. ૨૬ : એરપોર્ટ રોડ, મહિલા કોલેજ પાસે આવેલ પટેલ પાર્ક, ગોવિંદ મુખીની ચાલીમાં રહેતા અને પાન-મસાલાનો ધંધો કરતા ધર્મેશભાઈ દામોદરભાઈ પટેલે ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, રવા ગામમાં આવેલ સર્વે નં. ૭૨ ખાતા નં. ૩૭૯ ની ૯ વિધા જમીનમાં તેઓ તથા તેમના માતા-પિતા અને ભાઈ ખાતેદાર હોય જેમાં ખેતી કામ કરે છે. દરમિયાન ગત તા. ૧૫/૫ ના રોજ તેમના પિતા દામોદરભાઈ તેમની જમીન ખેડવા માટે ગયા ત્‍યારે તેમની જમીનમાં દાડીયા તરીકે વર્ષોથી કામ કરતા ચીથરભાઈ મંગાભાઈનો દીકરો રામા એ આવીને આ જમીન ભાગવી રાખવાની માંગણી કરતા દામોદરભાઈએ તેને ના પાડી હતી. જેથી રામો એકદમ ઉશ્‍કેલાઈ ગયો હતો અને હવે તમે આ જમીન ખેડી જુઓ, હું પણ જોઈ લઈશ એવી ધમકી આપી હતી.

બીજા દિવસે ધર્મેશભાઈ તથા તેમના પિતા તેમની વાડીએ ગયા ત્‍યારે ત્‍યાં હાજર લાલાભાઇ અમરાભાઇએ હવે આ જમીન અમારી થઈ તમે અહીં દેખાતા નહીં તેમ કહીને ધમકી આપી હતી. આ ઉપરાંત તેમના દીકરા અંકુશ અને અભી પણ તેમના પાનના ગલ્લે આવીને ધમકી આપતા હતા.

ગઈકાલે સાંજે ધર્મેશભાઈ અને તેના પિતા તેમની વાડીએ ગયા ત્‍યારે ત્‍યાં પતરાની મોટી ઝૂંપડી બનાવી નાખવામાં આવી હતી અને જમીન ફરતે તાર ફેન્‍સીંગ કરવા માટેની સામાન પણ મૂકી દેવાયો હતો. દરમિયાન બે કારમાં આવેલા લાલાભાઇ અમરાભાઇ, તેનો દીકરો અભી, યુવરાજસિંહ જાડેજા, વિજય આલગોતર સહિતના એ લોખંડના પાઇપ, તલવાર,ધોકા સાથે રાખી ધર્મેશભાઈ તથા તેમના પિતાને હવે પછી અહીંયા આવ્‍યા તો જીવતા જવા નહિ દઈએ તેવી ધમકી આપી હતી.

ઘોઘા રોડ પોલીસે લાલા અમરાભાઈ,અંકુશ લાલાભાઇ, અભી લાલાભાઇ,રામા ચીંથરભાઈ, યુવરાજ જાડેજા અને વિજય આલગોતર વિરુદ્ધ ગુનો નોંધીᅠ પાંચ આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

(10:20 am IST)