Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટાઃ ગિરનાર રોપ-વે બંધ

વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યોઃ ભીની આંધીના કારણે યાત્રિકો પલળી ગયાઃ ગરમીમાં ઘટાડા સાથે ધુપ-છાંવ

જુનાગઢ : તસ્‍વીરમાં ગિરનાર પર્વત ઉપર ફુંકાયેલ પવન તથા આંધી નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને આજે સવારે પણ પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે. અને ગરમીમાં રાહત અનુભવાઇ રહી છે.

આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટા સાથે ધુપ-છાંવનો માહોલ છે. પવન ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવ્‍યો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે ગિરનાર ઉપર ૮૦ કિલો મીટરની ઝડપે પવન ફુંકાતા વહેલી સવારથી જ રોપવે બંધ રાખવાની ફરજ પડી છે. આ સાથે ગિરનાર પર્વત ઉપર ભીની આંધી આવતા વરસાદ થયાનો અહેસાસ યાત્રિકો સહિતના લોકોને થયો હતો. જો કે વાતાવરણની પરવા કર્યા વગર કેટલાક ભાવિકો ગીરનારની સીડી ચડીને માં અંબાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. આગામી ર૯-૩૦ મે ના રોજ વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ આવશે. જેની અસરના ભાગરૂપે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી બે દિવસ સુધી ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગે વ્‍યકત કરી છે. આ પવન સાંજના સમયે ફુંકાઇ શકે છે. ગુરૂવારે અમરેલીમાં ૪૦, ભાવનગરમાં ૪૦, દ્વારકામાં ૩૧.પ, ઓખામાં ૩૩.૪, પોરબંદરમાં ૩૪.૭, વેરાવળમાં ૩૪, દીવમાં ૩૩.ર, સુરેન્‍દ્રનગર ૪૦.૮, મહુવા ૩પ અને કેશોદમાં ૩૬.૪, ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બે દિવસ તાપમાન નીચું જાશે અને રવિવારથી તાપમાનનો પારો ઊંચો આવશે. તેમ હવામાન વિભાગે જણાવ્‍યું છે.

સૌરાષ્‍ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ  વરસવાની આગાહી છે. તો મધ્‍ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચમાં પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરિયાકાંઠા વિસ્‍તારોમાં ભારે પવન ફુંકાઇ શકે છે. ભારે પવન ફુંકાવાના પગલે માછીમારોને આગામી ૩ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ દરમિયાન રાજયના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગુજરાતમાં ર થી ૩ ડીગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૯ રહેશે. જયારે ન્‍યુનતમ તાપમાન ર૯ રહેશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.૭, મહત્તમ તાપમાન ૩૯.૧, ભેજનું પ્રમાણ ૭૩ ટકા પવનની ગતિ ૮.ર, કિ. મી. રહી હતી.

(11:10 am IST)