Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ત્રિ-દિવસીય એન્‍યુઅલ ગ્રાઉન્‍ડનટ વર્કશોપ-૨૦૨૩નો પ્રારંભ : મગફળી ઉત્‍પાદન વધારવા માટે દેશભરના ૧૫૦થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા વિચાર-વિમર્શ

બદલાતી કલાઇમેટિક સ્‍થિતિને ધ્‍યાનમાં રાખી મગફળીની નવી જાતોનું કરાતુ સંશોધન : મહત્તમ તેલની ટકાવારી ધરાવતા મગફળીના પાકનો કોઇ વિકલ્‍પ નથી : અદ્યતન શોધ-સંશોધનના કારણે મગફળીનું ઉત્‍પાદન ડબલ થયું : ઓછા ખર્ચે ખેડૂતોને નવી ટેકનોલોજી મળે તે દિશામાં ભાર આપવામાં આવી રહ્યો છે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૬ : જૂનાગઢ અને સૌરાષ્ટ્ર વિસ્‍તાર મગફળીના ધરખમ ઉત્‍પાદન માટે દેશભરમાં જાણીતું છે. ત્‍યારે મગફળીના ઉત્‍પાદનને વધુ વેગ આપવા માટે અને નવા સંશોધનના માધ્‍યમથી ખેડૂતોની આવક વધારવા માટેના ત્રિ-દિવસીય એન્‍યુઅલ ગ્રાઉન્‍ડનટ વર્કશોપ-૨૦૨૩નો પ્રારંભ થયો છે. આ કાર્ય શાળામાં દેશભરના ૧૫૦થી વધુ વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. જે મગફળીના પાકના જુદા-જુદા પરિબળોના સંદર્ભે વિચારનો આપ-લે કરશે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્‍ય તેલીબિયાં સંશોધન કેન્‍દ્ર અને રાષ્ટ્રીય કક્ષાના મગફળી સંશોધન નિર્દેશાલય લઈને સંયુક્‍ત ઉપક્રમે આયોજિત આ વર્કશોપમાં ઉદ્‍ઘાટન સત્રના અધ્‍યક્ષ તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ડાયરેક્‍ટર જનરલ (ક્રોપ સાયન્‍સ) ડો. ટી. આર. શર્માએ જણાવ્‍યું કે, આઈસીએઆર, ડીજીઆર વગેરે સંસ્‍થાઓના સંશોધન અને ટેકનોલોજીના માધ્‍યમથી મગફળીમાં અફલાટોક્‍સિનના લેવલને ઘટાડવામાં સફળતા મળી છે. જેથી રૂ. ૪ હજાર કરોડથી વધુની મગફળીના નિકાસમાં વધારો થયો છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ  વી.પી. ચોવટીયાએ જણાવ્‍યું કે,  મગફળી સૌરાષ્ટ્ર -ગુજરાતનો ઓળખરૂપ પાક છે. રાજયમાં ૨૦ લાખ હેક્‍ટરમાં તેનુ ઉત્‍પાદન કરવામાં આવે છે. ત્‍યારે આ પાકના માધ્‍યમથી ખેડૂતોને આવકમાં વૃદ્ધિ થાય અને ઓછા ખર્ચે ખેડૂતોને શ્રેષ્ઠ ટેકનોલોજી મળી રહે તે માટે દિશામાં પણ ભાર આપવામાં આવી રહ્યો છે. મગફળીના ઉત્‍પાદનમાં રહેલા પ્રવર્તમાન પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં આ વર્કશોપના માધ્‍યમથી પ્રયાસો કરવામાં આવશે. 

નિવૃત્ત પ્રિન્‍સિપલ સાયન્‍ટિસ્‍ટ એસ. એન. નિગમે મગફળીના પાકમાં જીનેટીક-બ્રીડર, એગ્રો ક્‍લાઈમેટિક ફેક્‍ટર, ટેકનોલોજી સહિતના મુદ્દે સંશોધકોને અંગુલી નિર્દેશ કર્યો હતો. ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ સીડ સાયન્‍સના ડાયરેક્‍ટર શ્રી સંજય કુમારે અભ્‍યાસના આધારે બીજ ઉત્‍પાદન અને બીજા આપૂર્તિ સહિતના મુદ્દે રહેલા પડકારો અંગે પોતાના વિચાર વ્‍યક્‍ત કર્યા હતા

જૂનાગઢ સ્‍થિત મગફળી સંશોધન નિર્દેશાલયના ડાયરેક્‍ટર એસ. કે. બેરાએ ડીજીઆર દ્વારા મગફળીની સંશોધિત જાતો, દેશભરમાં મગફળીના પાકનો ઝોન વાર ચિતાર સહિતની આંકડાકીય માહિતી સાથેનું પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું હતું.

આ પ્રસંગે સંશોધન નિયામક  એચ.એમ ગાજીપરાએ શાબ્‍દિક સ્‍વાગત અને મુખ્‍ય તેલીબિયાં સંશોધન કેન્‍દ્રના સંશોધન વૈજ્ઞાનિક આર.બી માદરીયાએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન પરેશ ડાવરા એ કર્યુ હતુ.

આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્‍યાપકો, વૈજ્ઞાનિકો અને દેશભરમાંથી પધારેલા વૈજ્ઞાનિકો- સંશોધકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:21 pm IST)