Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પોરબંદરના રણ વિસ્‍તારથી રૂપાળી બાગ તરફ જતી બંધ સાંઢીયા ગટરની ચોમાસા પહેલા સફાઇ કરવા માંગણી

પ્રિમોન્‍સુન કામગીરી પુર્ણ થઇ ગયાના નગર પાલીકાના પોકળ દાવા સામે કોંગ્રેસનો આક્રોશઃ વરસાદના પાણી નિકાલ માટેની ગટરના કામમાં બેદરકારીની ફરિયાદો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૬: રણ વિસ્‍તારથી રૂપાળી બાગ તરફ જતા જામ થઇ જતા બંધ થયેલી સાંઢીયા ગટરની ચોમાસા પહેલા સંપુર્ણ સફાઇ કરવા કોંગ્રેસ દ્વાારા માંગણી કરીને નગરપાલીકા દ્વારા પ્રિ-મોન્‍સુન કામગીરી  પુર્ણ કર્યાના દાવાને પોકળ ગણાવીને આક્રોશ વ્‍યકત કરેલ છે.

નગરપાલીકાના પ્રમુખ પ્રિ-મોન્‍સુન કામગીરી પુર્ણ થયાનો દાવો કરી રહયા છે.  અને ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ સરળતાથી થઇ જાય તેવી કામગીરી કર્યાનું જણાવી રહયા છે. જયારે બીજી બાજુ પોરબંદર કોંગ્રેસ દ્વારા ઉંડાણથી તપાસ કરીને મુખ્‍ય સાંઢીયા ગટર સહીતની ગટરોની તપાસ થઇ નથી અને બ્‍લોકેજ છે. તેથી તેની સફાઇ કરાવવામાં આવે અને સ્‍ટ્રોમ વોટર ડ્રેઇનની કામગીરીની તપાસ વિજીલન્‍સને સોંપવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે.

કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ ગાંધીનગર મ્‍યુનિસીપલ એડમીનીસ્‍ટ્રેશન કમિશ્નર સહીત રાજકોટ નગર પાલીકાઓના રિજીયોનલ મ્‍યુનિસીપલ કમિશ્નરને લેખીત ફરીયાદ કરીને જણાવ્‍યું છે કે નગર પાલીકાના પદાધિકારીઓ પ્રિ-મોન્‍સુન કામગીરી પુર્ણ થઇ ગયાના ગાણા ગાઇ રહયા છે અને ચોમાસા દરમિયાન લોકો હેરાન થશે નહી તેવું જણાવી રહયા છે. પરતુ આ દાવો એટલા માટે ખોટો છે કે શહેરમાં અનેક જુની ગટર બ્‍લોકેજ છે અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના કામમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે.

કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ રજુઆતમાં જણાવ્‍યું છે કે પોરબંદર શહેરની મુખ્‍ય સાંઢીયા ગટરની સાફ સફાઇના ભારત સરકારના નાણાપંચના નાણામાંત્રી પોરબંદર-છાંયા નગરપાલીકાએ કામગીરી કરેલ છે. જેમાં કરોડો રૂપીયાનો ખર્ચ કર્યો છે. પરંતુ પાણીના નિકાલ માટેનું ગટરના મુખમાંથી સોનેરી મેડીકલ સુધી ગટરને બ્‍લોક રાખી દીધેલ છે. તેથી પોરબંદર શહેરનુ઼  રણમાં એકઠુ થતુ પાણી સાંઢીયા ગટરમાં જવાના બદલે શહેરમાં ફેલાય છે. તેથી સાંઢીયા ગટરનું મુખ તાત્‍કાલીક ધોરણે ખુલ્લુ કરીને સોનેરી મેડીકલ સુધીની ચેઇનેઝ ખુલ્લી કરવી જોઇએ. સાંઢીયા ગટરના રીપેરીંગના નામે કરોડો રૂપીયા વપરાયા છે. જેની તટસ્‍થ અધિકારી મારફત તપાસ કરીને પ્રજાના નાણાનો દુરૂપયોગ કોણે કર્યો છે. તેની જવાબદારી નિયત કરીને કાયદાકીય પગલા લેવા જોઇએ.

વિરડી પ્‍લોટ વિસ્‍તારમાં પુલીયાવાળી મેઇન ગટર દંગામાં થઇને ચુનાની ભઠ્ઠીની પાછળ આવેલ ખાડી વિસ્‍તારમાં નીકળે છે. આ ગટર વીરડી પ્‍લોટથી ખાડી સુધીની બ્‍લોક છે. જેથી વીરડી પ્‍લોટની આજુબાજુના દલીત એરીયામાં અત્‍યારે પણ ગટરના પાણી ફરી વળે છે. અત્‍યારે અને ચોમાસામાં નર્કાગાર જેવી સ્‍થિતિ ઉભી થઇ જાય છે. તેથી આ ગટરના બ્‍લોકેજ પોર્શનને તાત્‍કાલીક ખુલ્લા કરવા જોઇએ.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે પોરબંદર-છાંયા સંયુકત નગર પાલીકા દ્વારા ચાલતા સ્‍ટ્રોમ વોટર ડ્રેઇનની કામગીરી અત્‍યારે ચાલુ છે. આ કામમાં મીલી ભગતને કારણે આડેધડકામ વખતે સલામતીના નિયમોનું કોઇ પાલન થતુ નથી અને ગટરો દિવસો સુધી ખુલ્લી રહે છે. તેના કારણે અકસ્‍માતો પણ થાય છે. આ કામની ગુણવતાની તપાસ કોઇ તટસ્‍થ એજન્‍સી મારફત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(1:36 pm IST)