Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ઘોઘાના કુડા બીચ પર ગંદકી ફેલાવતા સહેલાણીઓઃ પ્‍લાસ્‍ટીક સહિતના કચરાથી બીચ પ્રદુષિત

તંત્ર દ્વારા સફાઇની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી લોકોમાં માંગ

ભાવનગર: હાલમાં સમગ્ર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા વોટરપાર્ક અથવા સ્નોપાર્ક જઈ રહ્યા છે. ત્યારે ભાવનગરવાસીઓ પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ઘોઘા તાલુકામાં આવેલા કુડા બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. આ સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને નાહવાની પણ મજા માણતા જોવા મળી રહ્યા છે. ત્યારે બીચ પર આવતા લોકો કચરો નાંખીને પ્રદૂષિત કરી રહ્યાં છે. ત્યારે આ કચરાનો પણ યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ તેવી પણ લોકો માંગ કરી રહ્યાં છે..

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલો કુડા બીચ સહેલાણીઓથી ઉભરાઈ રહ્યો છે. ગુજરાતભરના લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે સમુદ્ર કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ત્યારે નાના મોટા સૌ કોઈ રમણીય કુડા બીચ પર મોજ માણવા ઉમટી રહ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોય ત્યારે તેમના દ્વારા લાવવામાં આવતા પ્લાસ્ટિક સહિતનો કચરો બીચને પ્રદુષિત કરી રહ્યો છે. ત્યારે પર્યાવરણનું જતન કરવા પણ લોકો અપીલ કરી રહ્યાં છે.

ગુજરાતનો ભાવનગર જિલ્લો અતિ સમૃદ્ધ દરિયા કિનારો ધરાવે છે. રાજ્યના 1600 કિમી લાંબા દરિયા કાંઠા પૈકી 125 કિમી દરિયા કાંઠો ભાવનગર જિલ્લાને મળેલો છે. અહીં કુડા, કોળીયાક, હાથબ, ગોપનાથ અને મહુવા બીચ ખાતે લોકો હરવા ફરવા જતા હોય છે. જેમાં જિલ્લાના ઘોઘા તાલુકાના કુડાગામ નજીક આવેલો કુડાબીચ ઉનાળાની બળબળતી ગરમીમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ અહીં સાંજના સમયે ગરમીથી રાહત મેળવવા ભાવનગર સહિત અનેક જિલ્લાના લોકો ગરમીથી રાહત મેળવવા અને વેકેશનની મજા માણવા ઉમટી રહ્યા છે. કુડાના દરિયાઈ તટ પર નાના મોટા સૌ કોઈ નાહવાની મજા માણતાં જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા થોડા વર્ષો અગાઉ લોકોની સુવિધા માટે બીચ ને ડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજે વર્ષો બાદ પણ રોડ, રસ્તા કે માળખાકીય એકપણ જાતની સુવિધા પૂરી પાડવામાં નથી આવી.

હરવા ફરવાના સ્થળો પર લોકો મોટી સંખ્યામાં સહપરિવાર આવતા હોય છે. તો ત્યારે નાસ્તો, ભોજન સહિતની ચીજવસ્તુઓ પણ સાથે લઈ આવતા હોય છે. જ્યાં દરિયા કિનારે મોજ માણતા નાસ્તા, ભોજનનો આસ્વાદ માણવો સૌ કોઈને ગમે છે. પરંતુ ખાવાની વસ્તુઓ જેમાં લાવતા હોય એવા પ્લાસ્ટિક અને પાણીની બોટલોને લોકો યોગ્ય જગ્યાએ ડસ્ટબિનમાં નાખવાના બદલે જ્યાં ત્યાં ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. જેના કારણે અહીં પ્લાસ્ટિક સહિતનો કચરો મોટી માત્રામાં જોવા મળી રહ્યો છે. જે કચરો દરિયામાં પહોંચી દરિયાઈ જીવસૃષ્ટિને પણ પારાવાર નુકશાન પહોંચાડી રહ્યો છે.

પર્યાવરણની રક્ષા કરવી અને તેનું જતન કરવું એ આપણા સૌની પ્રાથમિક જવાબદારી બને છે ત્યારે સૌ કોઈએ આ વાતને ધ્યાને રાખી યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવો જોઈએ. સાથે તંત્ર દ્વારા પણ દરિયા કિનારા પર કચરાનાં નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ છે.

(6:06 pm IST)