Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દ્વારકાધીશ મંદિરમાં ચલણી નોટો ઉડાડવા મામલે હિન્દૂ સંગઠનોમાં રોષ :ખંભાળિયા કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું

દ્વારકાધીશ સમક્ષ નોટ ઉડાડવા મામલે જવાબદારો સામે પગલા લેવા તેમજ મંદિરમાં VIP દર્શન બંધ કરવા તેમજ મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ લાદવાની માંગ

દ્વારકાધીશ મંદિરમાં ચલણી નોટો ઉડાડવા અંગે ખંભાળિયા કલેક્ટર કચેરીમાં હિન્દુ સંગઠનોએ આવેદન આપ્યું હતું. દ્વારકાધીશ સમક્ષ નોટ ઉડાડવા મામલે જવાબદારો સામે પગલા લેવા માંગ કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં VIP દર્શન બંધ કરવા તેમજ મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા દ્વારકાધીશ મંદિરમાં ચલણી નોટો ઉડાવતો વિડીયો વાઇરલ થયા બાદ હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, Z+ સિક્યોરિટી ધરાવતા યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં સિક્યોરિટીમાં ચૂક જોવા મળી હતી. સુરક્ષાના ભાગ રૂપે દ્વારકાધીશ મંદિરમાં મોબાઈલ તેમજ કોઈપણ જાતના ઇલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પ્રતિબંધ છે. તેમ છતાં પણ મંદિરની અંદરથી વીડિયો ઉતર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયો હતો. એટલું જ નહિ કેટલાક વ્યકિત ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ચલણી નોટો ઉડાડતા પણ જોવા મળતા અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા.

  ભગવાન કૃષણ સમક્ષ સાક્ષાત રીતે માતા લક્ષ્મીજીનું અપમાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવતા કૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી છવાઈ હતી. ત્યારે પૈસાના જોરે મંદિર અંદર પ્રવેશી ગેરકાયદેસર રીતે વીડિયો બનાવી ચલણી નોટોનો વરસાદ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવનાર સામે કાર્યવાહી કરવા કૃષ્ણ ભક્તોએ માંગ કરી હતી

(8:34 pm IST)