Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં બેટદ્વારકા જવા માટેની ફેરી બોટ સર્વિસ બે દિવસથી બંધ

ભારે પવનના કારણે દરિયામાં કરંટ હોવાથી યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ફેરી બોટ સર્વિસ બંધ રાખવા નિર્ણંય

અમદાવાદ : પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં બેટદ્વારકા જવા માટેની ફેરી બોટ સર્વિસ બે દિવસથી બંધ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવનને કારણે ઓખા-બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ સતત બીજા દિવસે પણ બંધ રહી. ભારે પવનના કારણે  દરિયામાં કરંટ હોવાથી યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ફેરી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણંય લેવામાં આવ્યો છે. આ ફેરી સર્વિસ બંધ રહેવાથી દ્વારકા આવતા યાત્રિકો બેટદ્વારકાના વિવિધ મંદિરોમાં દર્શન કરવાથી વંચિત રહ્યાં છે.

 જો કે ઓખાથી બેટદ્વારકા વચ્ચે કરોડોના ખર્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજ બાદ મુસાફરોને ફેરી બોટ સર્વિસ પર નિર્ભરતાથી મુક્તિ મળશે. કેન્દ્ર તરફથી 965 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલો આ સિગ્નેચર બ્રીજની પહોળાઇ 27.20 મીટર અને  3.73 કિલોમીટર લાંબો હશે. આ બ્રિજ 4 લેનનો  છે અને બન્ને સાઇડ પર ફૂટપાથ પણ બનાવવામાં આવી રહ્યાં છે. શ્રધ્ધાળુઓ આ બ્રીજ પરથી ચાલીને પણ બેટ દ્વારકા જઇ શકે. તદ્ઉપરાંત આ બ્રીજના ફૂટપાથ પર સોલારની પેનલની છત બનાવવામાં આવશે. જેથી ચોમાસામાં અને ગરમીમાં શ્રધ્ધાળુ આ પેનલની નીચેથી છાયડામાં જઇ શકે.

બ્રીજ પર લાગનારી સોલાર પેનલથી સરાઉન્ડીંગ સિસ્ટમ તેમજ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આ બ્રીજથી ઓખાના ગ્રામજનોને પણ લાભ થશે. કેટલીક વખત અહીંના ગ્રામજનોને આરોગ્યની ઇમરજન્સી સેવાની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સની સેવા નહોતી મળતી પરંતું બ્રીજ બન્યા બાદ આ મુશ્કેલી હલ થઇ જશે

 
(9:26 pm IST)