Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: અમરેલી શહેરમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ તથા યોગ જાગરણ રેલી સંપન્ન

અમરેલી:ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ  સફળ રીતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના આગોતરા આયોજનના ભાગરુપે અને લોકોમાં યોગ અંગેની જાગૃત્તિ આવે, યોગનું મહત્વ સમજાય,  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને તેના મહત્વની જાણકારી મળી રહે, વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તેમજ વધુમાં વધુ લોકો યોગ કરતા થાય તેવા ઉમદા આશયથી કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ અંગે જાગૃત્તિ રેલી યોજાઈ હતી. આ રેલી BAPS ગાંધીબાગ અમરેલી ખાતેથી નીકળી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. આ કાર્યક્રમમાં અમરેલી નગરનાં વિવિધ સંસ્થાઓનાં યોગ સાધકો, શહેરીજનો, ખેલાડીઓ, પોલીસ તાલીમાર્થીઓ, હોમગાર્ડ જવાનો, અધિકારી, કર્મચારીઓ સહિત નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

    આ  રેલી ગાંધીબાગથી પ્રસ્થાન કરી ટી.પી.ગાંધી સર્કલ, નાગનાથ સર્કલ, રાજકમલ સર્કલ , ટાવર સર્કલ, રૂપમ ટોકીઝ સર્કલ , ટી.પી. ગાંધી સર્કલથી પરત ગાંધીબાગ પાસે સમાપ્ત થઈ હતી. 'યોગ ભગાવે રોગ,'  'ઘર ઘર જાયેંગે યોગ કરવાયેંગે,'  જેવા નારા સાથે સૌ શહેરી જનોને સંદેશો પાઠવવામાં આવ્યો. આ તકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરથી. ડી.જી.ઠુંમર નોડલ અધિકારી વ હિસાબનીશ સૌરાષ્ટ્ર પ્રદેશના કો - ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, જિલ્લા રમત ગમત અધિકારી અશરફ કુરેશી, જિલ્લા કમાન્ડટ હોમગાર્ડ અશોક જોશી, પી એસ આઈ સોલંકી, જિલ્લા યોગ કોર્ડિનેટર, જયદિપભાઈ ચૌહાણ, બાળરોગ નિષ્ણાંત ડો.નીતીન ત્રિવેદી, યુવા વિકાસ અધિકારી બારૈયા, અગ્રાવત, યોગ બોર્ડ હેઠળના કોચ ટ્રેનર વિવિધ રમતના કોચ ટ્રેનર હાજર રહ્યા હતાં,તેમ જિલ્લા રમત ગમત અધિકારીએ  યાદીમાં જણાવ્યું છે.

(1:11 am IST)