Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી માનવતા મહેકી: અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી

તળાજા ખાતેની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયાં બાદ ભાવનગર પરત ફરતા હતા ત્યારે ઘોઘા રોડ પરના પીપળીયા પુલ નજીક એક છકડો રીક્ષા પલટી ખાઇ ગયેલી જોઈને તાત્કાલિક પોતાના વાહન રોકવા આદેશ આપીને તરત નીચે ઉતરીને કચડાયેલા લોકોની મદદ માટે દોડી ગયાં: જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા પોતે એમ.બી.બી.એસ. ડોક્ટર

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીએ તળાજા ખાતેની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયાં બાદ ભાવનગર પરત ફરી રહ્યાં હતાં.આ સમયે તેમણે ઘોઘા રોડ પરના પીપળીયા પુલ નજીક એક છકડો રીક્ષા પલટી ખાઇ ગયેલી જોઈને તાત્કાલિકપોતાના વાહન ચાલકને પોતાનું વાહન રોકવા આદેશ આપીને તરત જ તેઓ નીચે ઉતરીને આ રીક્ષા નીચે કચડાયેલા લોકોની મદદ માટે દોડી ગયાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા પોતે એમ.બી.બી.એસ. ડોક્ટર છે અને કટોકટીની અને વિપતની આ ઘડીમાં તેમની નૈતિક ફરજ સમજીને ડોક્ટર તરીકેની સેવા બજાવતાં તાત્કાલિક અકસ્માતોને પ્રાથમિક સારવાર આપી હતી.તેમણે સ્થળ પરથી જ જાતે જ 108 ને ફોન કરીને તુરંત એમ્બ્યુલન્સ મોકલવા માટે જાણ કરી હતી. તદુપરાંત ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સાથે વાતચીત કરીને જરૂરી વ્યવસ્થાઓ કરાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘોઘા રોડ પરના પીપળીયા પુલ પાસે એક છકડા રિક્ષા ચાલકે છકડા પરનો કાબુ ગુમાવતા છકડો રિક્ષા પલટી મારી ગઇ હતી અને તેમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવીને પોતે મેળવેલા તબીબી જ્ઞાનનો ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે ઉપયોગ કર્યો હતો.આ ઘટનાને ફરી વાર એક વખત સાબિત કરી દીધું છે કે, અધિકારીઓ પણ સંવેદનશીલ નહીં પરંતુ અતિ સંવેદનશીલ છે કે જેઓ રસ્તા પરની ઘટનાને પણ પોતાના ઘરની ઘટના બની હોય તેમ સમજીને તુરંત મદદે પહોંચી જાય છે.

જિલ્લા વિકાસ અધિકારીએ પોતાની નૈતિક ફરજ સમજીને ઇજાગ્રસ્ત અને ફસાયેલા લોકોને બહાર કાઢી સ્થળ પર જ 108 ના કર્મચારીઓને જરૂરી તબીબી સૂચનાઓ આપીને તાત્કાલિક તેમને સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે પોલીસ તંત્રને પણ આ અકસ્માત અંગેની સૂચના આપીને જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.

સમાજમાં ઘણી વાર આપણે જોતાં હોઈએ છીએ કે, વાહન પર સરવાળા એટલે કે પ્લસનું નિશાન તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એટલા માટે ઉપયોગ કરે છે કે જેથી મુશ્કેલીના સમયમાં ‘હાજર તે હથિયાર’ ના ન્યાયે લોકોનું અમૂલ્ય જીવન બચાવવામાં ઉપયોગી થઇ શકે. જિલ્લા વિકાસ અધિકારી વગર પ્લસના નિશાને ઇજાગ્રસ્તો માટે તેમના જીવનને પ્લસ કરવા માટે નિમિત્ત બન્યાં છે.

જિલ્લા વિકાસ અધિકારીએ તેમના કોલનો પ્રતિસાદ આપીને ત્વરિત સ્થળ પર પહોંચેલી ત્રણ 108 ની એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓની ત્વરિતતતા અને હકારાત્મક અભિગમને પણ બિરદાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને નવજીવન આપવા માટેની તેમની અમૂલ્ય સેવાની પ્રશંસા કરી પોતે જ બધું કર્યું હોવા છતાં અલિપ્ત ભાવ કેળવી પરોપકારની ભાવનાને ખરા અર્થમાં સાકાર કરી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તોના નામ:

૧. બટુકભાઈ ભોપાભાઈ બારૈયા, ઉંમર: ૪૪ વર્ષ, ગામ: માલણકા ૨. જગદીશભાઈ તુલશીભાઈ બારૈયા, ઉંમર: ૪૭ વર્ષ, ગામ: માલણકા ૩.લાઘરભાઈ તેજભાઈ મકવાણા, ઉંમર: ૪૫ વર્ષ.ગામ: માલણકા

(11:59 pm IST)