Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

વેરાવળના આ કેવા ફાફડા, કે રોગ માટે ફાયદાકારક ; કંદોઈ દિનેશભાઈએ ગાંઠિયા અને પાલક ભાજીનો સમન્વય સર્જ્યો

ચણાના લોટમાં મરી-મસાલા અજમાની સાથે પાલકનો સુંદર સમન્વય ;અમદાવાદ બરોડા સુધીના સ્વાદ રસીકો માટે પાલકના ફાફડા ગાંઠિયા પ્રિય બની રહ્યા છે

જૂનાગઢ: પાલકની ભાજી અને ફાફડા ગાંઠિયાઆ સંયોજન સાંભળીને નવાઇ લાગશે, પરંતુ વેરાવળમાં રહેલા કંદોઈ દિનેશભાઈ પાછલા ઘણા વર્ષોથી ફાફડા ગાંઠિયા અને પાલક ભાજીનો  ખૂબ જ સુંદર સમન્વય કરીને સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ સારા કહી શકાય તેવા ફાફડા ગાંઠિયા બનાવી રહ્યા છે.

પાલકના ગાંઠિયાના ચાહકો છેક અમદાવાદ વડોદરા સુધી પણ જોવા મળે છે. કેટલાક કિસ્સામાં લોકો સોમનાથની મુલાકાતે આવે ત્યારે ગાંઠિયાનો સ્વાદ પણ અચૂક પણે માણવા માટે આવતા હોય છે.

 

 ગુજરાતની ઓળખ ફાફડા ગાંઠિયા બની રહ્યા છે. વર્ષ 2014 થી સંસદની કેન્ટિનમાં પણ ફાફડા ગાંઠિયાએ અનોખુ અને અનેરુ સ્થાન ઉભું કર્યું છે. આ ફાફડા ગાંઠિયાની સફર ગુજરાતથી લઈને દિલ્હી સુધી જોવા મળે છે, ત્યારે વેરાવળમાં પાછલા ઘણા વર્ષોથી કંદોઈના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઈ પાલકની ભાજીના ફાફડા ગાંઠિયા બનાવી રહ્યા છે. ગાંઠિયા ગુજરાતમાં ખવાતું અને બનતુ સામાન્ય ફરસાણ છે, પરંતુ પાલકની ભાજી સાથે ના ફાફડા ગાંઠીયા એકમાત્ર વેરાવળમાં બની રહ્યા છે.

 આ ગાંઠિયા સ્વાદની સાથે આરોગ્ય માટે પણ પાલક હોવાને કારણે વધુ સારા માનવામાં આવે છે. ચણાના લોટમાં મરી-મસાલા અજમાની સાથે પાલકનો સુંદર સમન્વય કરીને અનોખી રીતે પાલકના ફાફડા ગાંઠિયા કંદોઈ દિનેશભાઈ બનાવી રહ્યા છે. જે અમદાવાદ બરોડા સુધીના સ્વાદ રસીકો માટે પાલકના ફાફડા ગાંઠિયા પ્રિય બની રહ્યા છે.

પાલકની ભાજીને તબીબો પણ ખૂબ મહત્ત્વના આહાર તરીકે માની રહ્યા છે. પાલકના લીલા પર્ણોમાં વિટામિન મિનરલ પોટેશિયમ કેલ્શિયમ આયરન સહિત અનેક પોષક તત્વોની હાજરી હોય છે, જેને કારણે પાલકની ભાજીનું સેવન કરવાથી કોઈ પણ વ્યક્તિના શરીરમાં એન્ટીઓક્સીડેન્ટનું નિર્માણ થાય છે. પાલક રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીરના નાશ પામતની જગ્યા પર નવા કોષોને સ્થાન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 પાલકની ભાજીમાં રહેલા વિટામિન મિનરલ્સ પોટેશિયમ સહિત તમામ પ્રકારના પોષક તત્વો કે જે પાલકની ભાજીમાં પુષ્કળ પ્રમાણમાં કુદરતી રીતે બનતા હોય છે. પાલકનું સેવન કરવાથી કોઇપણ વ્યક્તિના શરીરમાં એન્ટી ઓક્સીડંટ નિર્માણ થાય છે, જેને કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પોટેશિયમ હોવાને કારણે તે લોહીના નીચા દબાણ પર કાબુ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. સાથે સાથે પાલકમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ હાડકાને મજબૂતી આપતા હોય છે.

પાલકમાં જોવા મળતું લોહતત્વ ચામડી માટે પણ ગુણકારી છે. પાલકના સેવનથી ચામડી પર કસમયે પડતી કરચલીઓ માંથી પણ મુક્તિ મેળવી શકાય છે. સાથે પાલકની ભાજી આંખના તમામ પ્રકારના રોગોને દૂર રાખવામાં મદદરૂપ બને છે. વધુમાં પાલકમાં આર્યન હોવાને કારણે તે શરીરમાં રક્તને વધારનારા તત્વ તરીકે પણ કામ કરે છે. આમ ગાંઠિયા સામાન્ય ફરસાણ છે, પરંતુ તેમાં પાલકનો સમન્વય કરીને જે રીતે ફાફડા ગાંઠિયા બની રહ્યા છે, જે સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ સારા માનવામાં આવી રહ્યા છે.

(5:37 pm IST)