Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામનગર અને નવાગામ, નરમાણામાં આભ ફાટયું-૧૦ ઇંચઃ ઉમરાળામાં ૭૦ પશુ પાણીમાં તણાયા, દુકાનો પાણીમાંડુબીઃ જામજોધપુર તાલુકામાં વરસાદી કહેરઃ કાલાવાડ પંથક જળબંબાકારઃ હાલારના ત્રણ ડેમો ઓવરફલોઃ ધુતારપરનો યુવાન તણાઇ ગયો

જામનગર, તા., ર૬: (મુકુંદ બદીયાણી દ્વારા): હાલાર પંથકમાં ગઇકાલે પડેલા વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે. જેમાં પણ જામજોધપુર-કાલાવાડ તાલુકામાં વરસાદી કહેર સર્જાયો છે. જે હાલારના વિવિધ ગામોના પ્રતિનિધિઓના મળતા અહેવાલો નીચે મુજબ છે.

જામનગર શહેરમાં પણ આભ ફાટયુ હોય તેમ ત્રણ કલાકમાં ૧૦ ઇંચ અને નજીકના નરમાણા અને નવાગામ ગામે પણ ૧૦ ઇંચ વરસાદ પડી ગયો હતો.

જયારે જામનગર જીલ્લાના ડેમો ફુલઝર-૧, વોડીસંગ, ઉમીયા સાગર ડેમ સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ઓવરફલો થયેલ છે.

જામનગર જીલ્લામાં સર્વત્ર મેઘ મહેર છવાઇ છે ત્યારે જીલ્લાના કાલાવડ પંથકમાં ૬ ઇંચ આસપાસ વરસાદ ખાબકી ગયો છે આ ઉપરાંત જામજોધપુર તાલુકામાં પણ વરસાદી કહેર વરસાવ્યો છે અને વરસાદથી ગામમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કાલાવડ પંથકના નવાગામ, બાલંભડી, છતર, અરલા, નપાણીયા ખીજડીયા સહીતના આસપાસના વિસ્તારમાં વરસાદથી ભારે તારાજી સર્જાય છે તો છતર ગામે પાણીના વહેણમાં જેસીબી પણ ડુબ્યુ હતું.

કોટડા બાવીસી ડેમના ચાર દરવાજા ખોલાવ્યા

જામજોધપુર પંથકમાં કોટડા બાવીસી ડેમમાં પાણીની ભરપુર આવક થતા ચાર દરવાજા ખોલવા પડયા છે.

કાલાવાડનો રસ્તો બંધ

જામનગરથી કાલાવડ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે ખંખરા પાસે આવેલ પુલ નબળો પડયો હોવાનું નજરમાં આવતા કાલાવડથી ફલા થઇ જામનગર આવી શકાય છે જામનગર કલેકટર કંટ્રોલે જણાવ્યું છે.

ખંઢેરા ગામ ડાયવર્ઝન

કાલાવડ તાલુકામાં ભારે વરસાદના કારણે ખંઢેરા ગામ પાસે આવેલ પુલ નબળો પડી જતા કાલાવડથી જામનગર જતા વાહનો રણુંજા ચોકડી લઇ વોડીસંગ ધુતાર પર થઇ જામનગર જઇ શકશે.

જામનગરથી કાલાવડ આવતા વાહનો ખંઢેરાથી મોટી માટલી ખાનકોટડા અથવા ખંઢેરાથી નાગપુર ગોલણીયા થઇને આવી શકશે.

વરસાદી પાણી ઓછું થયે આ પુલ પરથી વાહનો પસાર થવા દેવામાં આવશે.

(11:54 am IST)