Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારે વરસાદી ખુશનુમા માહૌલમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

વરસતા વરસાદમાં પણ ટ્રાફિક નિયમનની પોલીસ તંત્રની આયોજનબદ્ધ કામગીરી

પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું . લોકો કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળી રહ્યા હતા. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળી રહ્યા હતા. તેમજ અમુક લોકો માસ્ક વગરના જોવા મળી રહ્યા હતા .

પાવાગઢ ખાતે ભક્તોના ઘસારાને પહોંચી વળવા માટે જિલ્લા સમાહર્તા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અન્વયે પાવાગઢ ખાતે ખાનગી વાહનો પર પ્રવેશબંધીનું ફરમાન કરવામાં આવ્યુ હતું.તેમજ આ ખાનગી વાહનો માટે વડા તળાવ નજીક પંચમહોત્સવ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાનગી વાહનોના પાર્કિંગ સ્થળે વાહનોનો મસમોટો કાફલો જોવા મળ્યો હતો. એક સમયે પ્રવાસીઓની સંખ્યા એટલી વધી ગઈ હતી કે ટ્રાફિક માટે અવ્યવસ્થા સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પાવાગઢ સહિત હાલોલ તાલુકા પોલીસે ચાલુ વરસાદમાં પણ ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી ભારે ખંતપૂર્વક સંભાળી હતી.વરસાદી વિઘ્ન વચ્ચે પણ પોલીસની આયોજનબદ્ધ કામગીરીને પગલે ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રને પણ સફળતા મળી હતી. જો કે વરસતા વરસાદમાં પણ ટ્રાફિક નિયમનની પોલીસ તંત્રની કામગીરી બિરદાવવાને લાયક હતી.

(12:01 pm IST)