Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કુળદેવીનું મહત્વ સમજાવતા રઘુવંશીઓના બારોટ નિકુલભાઇજી

કુળદેવી એટલે કૂળનું રક્ષા - કવચ

લોહાણા સમાજની ૧૩૭ અટકોમાં મુખ્યત્વે ભવાની માતાજી, ચામુંડા માતાજી, આશાપુરા માતાજી, મહાકાળી માતાજી, હરસિધ્ધિ માતાજી, અંબાભવાની માતાજી કુળદેવી છે : બ્રહ્માજીએ આદેશ આપીને કુળદેવીના નિવેદ દરેક માટે ફરજિયાત કર્યા છે : નિયમ પ્રમાણે કુળદેવીના નિવેદ કરો : ધૂપ-દીપ દરરોજ કરો : ઘરની બહાર નીકળો ત્યારે દર્શન કરીને નીકળો : કુળદેવીના મુખ્ય સ્થાનકે વર્ષમાં એક વખત અચૂક જાવ : જે પરિવારમાં દીકરો ન હોય, માત્ર દીકરી હોય તે પરિવાર પણ નિર્વંશ ન ગણાય : પુરાણો પ્રમાણે આ સ્થિતિને 'દીકરીએ દીવો' કહેવાય : કુળદેવી - ગોત્રની સચોટ માહિતી બારોટના ચોપડેથી મેળવો : બારોટ અંગે પણ ખરાઇ કરજો : કુળદેવી કયારેય ન બદલાય, કરદેવી બદલાઇ શકે છે : પરિવારને સહાય કરનાર અન્ય દેવી કરદેવી તરીકે પ્રસ્થાપિત થતા હોય છે : નિવેદ ન કરનાર પરિવારો આર્થિક - સામાજિક - માનસિક પારિવારીક વિટંબણા ભોગવે છે

રાજકોટ તા. ૨૪ : ।। ઁ ઐં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચે ।।

સુરેન્દ્રનગર સ્થિત લોહાણા સમાજના બારોટજી નિકુલભાઇએ કુળદેવીના મહત્વ અંગે રોચક વિગતો આપી હતી.

બારોટજીએ જણાવ્યું હતું કે, કોઇપણને માનો, કોઇ પણ દેવી-દેવતાની સાધના કરો, પણ કુળદેવીને આગળ ન નૈવેધ કરો તો અડચણો આવી શકે છે. સનાતન ધર્મીએ પોતાના કુળ-ગોત્રની સચોટ માહિતી મેળવવી જ જોઇએ અને જે તે પરંપરાના નિયમ પ્રમાણે કુળદેવીના નૈવેધ - નિવેદ કરવા જરૂરી છે. કુળદેવી જે તે કુળના રક્ષા કવચ સમાન હોય છે. કુળની રક્ષા કરવી અને કુળનો વિસ્તાર કરવો તથા કુળના સુખ - સુવિધા જાળવવા વગેરે કાર્યો કુળદેવીના છે.

બારોટજી કહે છે કે, દરેક કુળના દેવી-દેવતા હોય છે, જેની પરફેકટ માહિતી સનિષ્ઠ બારોટના ચોપડે હોય છે. દૈવી તત્વ અંગે બારોટજીએ જણાવ્યું હતું કે, આદ્યશકિત મૂળ દેવી છે. તેમાંથી બ્રહ્મા - વિષ્ણુ - મહેશનું પ્રાગટય થયું હતું. વિવિધ દેવી - દેવતાઓના પ્રાગટ્ય પણ થયા.

આ વંશ દ્વારા સૃષ્ટિની રચના થઇ. કૂળ - અટક પણ રચાયા. દરેક કુળના દેવી પ્રસ્થાપ્તિ થયા હતા. આ રીતે બ્રહ્માજીના ૧૩ પુત્રો પરથી ગોત્ર બન્યા હતા. માણસે કુળદેવી અને ગોત્ર અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય દર્શાવાઇ છે.

શાસ્ત્રોકત આધાર સાથે બારોટજી કહે છે કે, બ્રહ્માજીના આદેશથી કુળદેવીના નિવેદ ફરજિયાત બન્યા છે. મુળ કુળદેવી કયારેય બદલાતા નથી, કરદેવી બદલાઇ શકે છે. જે તે સમયે પરિવારને સહાય કરનાર અન્ય દેવી કરદેવી તરીકે ઓળખાય છે. નવરાત્રીમાં નિયત દિને પરંપરા પ્રમાણે કુળદેવીના નિવેદ જરૂરી હોય છે.

બારોટજી કહે છે કે, લોહાણા સમાજની ૧૩૭ અટકોમાં મુખ્યત્વે ભવાની માતાજી, ચામુંડા માતાજી, આશાપુરા માતાજી, મહાકાળી માતાજી, હરસિધ્ધિ માતાજી તથા અંબા ભવાની માતાજી વગેરે કુળદેવી તરીકે પ્રસ્થાપિત થયા છે.

આ દેવીઓના નિવેદ અંગે બારોટજીના ચોપડે સ્પષ્ટ માહિતી હોય છે. નિવેદ ન કરે કે અન્યના રવાડે ચઢીને દેવીમાં ફેરફાર કરે તો મોટો અનર્થ સર્જાઇ શકે છે. કુળદેવીમાં શ્રધ્ધા ન ધરાવનાર અને નિવેદ ન કરનાર પરિવારો આર્થિક - સામાજિક - પારિવારીક - માનસિક વિટંબણા ભોગવતા જોવા મળે છે. અજાણતા ભૂલ થઇ હોય તો વિટંબણા તીવ્ર હોતી નથી. જો કે કુળદેવી અને તેના નિવેદની સચોટ માહિતી મેળવીને તેને અનુસરવું જરૂરી છે. નિકુલભાઇ કહે છે કે, કુળદેવી અંગે સચોટ માહિતી મેળવીને દેવીને પૂજનાર - નિવેદ કરનાર પરિવારોના કલ્યાણ થતાં મેં જોયા છે.

સામાન્ય રીતે કુળદેવીના નિવેદ થતાં હોય એ કરવા જોઇએ, ઉપરાંત દીકરાના જન્મ વખતે સવાયા નિવેદ, માથાના વાળ ઉતારવા (કર કરવા) સમયે નિવેદ, લગ્ન વખતે નિવેદ વગેરે પણ પરંપરા છે. આ પરંપરામાં અટક પ્રમાણે ફેરફાર હોય શકે છે.

નિકુલભાઇ કહે છે કે લગ્ન વખતે નવવધૂ પીયરથી નિવેદ લઇને આવે છે. જેમાં સામગ્રી કે રોકડ રકમ હોઇ શકે છે. આ નિમિતના નિવેદ ૧૦ દિવસમાં કરી નાખવાના હોય છે. આ નિવેદનો પ્રસાદ પ્રથમ વરઘોડિયાને આપીને પછી અન્ય લોકો લઇ શકે છે. કોઇ અડચણ કે અન્ય કારણોસર નિવેદ ન થાય તો પણ તેના ઉકેલ બારોટના ચોપડે હોય છે.

બારોટજી કહે છે કે નિવેદ વખતે સમગ્ર પરિવાર - કુળ સાથે બેસીને પ્રસાદ લે છે. કુળદેવીના સાનિધ્યમાં કુળના ઐકય માટે આ પરંપરા છે. અન્ન નોખા તેના મન નોખા. કુળદેવીના સાનિધ્યમાં પરિવારો નાના - મોટા મતભેદો ભૂલીને એક બને છે.

બારોટજીએ મહત્વની વાત કરતા કહ્યું હતું કે, જે પરિવારમાં પુત્ર ન હોય, પણ પુત્રી હોય તો પણ એ પરિવાર નિર્વંશ ન ગણાય. આ સ્થિતિને દીકરીએ દીવો કહેવાય. દીકરી લગ્ન કરીને સાસરે જાય ત્યારે પીયરના કુળના નિવેદ લઇને જાય છે અને તેના સાસરામાં નિવેદનો દીવો થાય છે. આ પરંપરા અનુસાર 'દીકરીએ દીવો' કહેવાય છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં છે.

નિકુલભાઇએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, કુળદેવી - ગોત્ર અંગે આડાઅવળા સ્થાનોએથી માહિતી મેળવવાને બદલે બારોટના ચોપડે લખાયેલી માહિતીને અનુસરવું જોઇએ. બારોટ પાસે જાવ ત્યારે તેની સત્યતાને પણ ટકોરો મારજો. બારોટ પાસે જે તે સમાજની જે તે અટકનો પૂરેપૂરો વંશ લેખિત સ્વરૂપે હોવો જોઇએ. બારોટને વંશાવલી પૂછો તેની નિષ્ઠા અંગે પણ અભિપ્રાય મેળવો.

નાળોદા રાજપૂત સમાજનો દાખલો આપતા નિકુલભાઇએ કહ્યું હતું કે, આ સમાજ બારોટજીના ચોપડામાંથી માહિતી મેળવીને પોતાના દેવીનું મંદિર પંચાસર ગામમાં નિર્માણ કરી રહ્યો છે. બારોટના ચોપડે જે તે સમાજ - અટકની ખાંભીઓ અંગે પણ માહિતી હોય છે. પરિવારોએ બારોટ અંગે ખરાઇ કરીને વિશ્વાસ સંપાદિત થયા પછી કુળની તમામ વિગતો મેળવવી જોઇએ.

નિકુલભાઇ અફસોસ વ્યકત કરતા કહે છે કે, અમારા અમુક બારોટ ન કરવાના કાર્યો કરે છે. માતાજી દરેકને સદ્બુધ્ધિ આપે તેવી અષાઢી નવરાત્રીએ પ્રાર્થના કરૃં છું. નિકુલભાઇનો સંપર્ક મો. ૯૯૧૩૬ ૭૯૩૬૯ / ૯૯૨૫૩ ૪૦૫૪૮ નંબર પર સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન થઇ શકે છે. 

: સંપર્ક :

નિકુલભાઇ બારોટજી

નીકુલભાઇ કહે છે કે, દેવસ્થાન - ખાંભી કે સુરધનનું સ્થાન ચોપડામાં લખેલા સ્થાને જ મળે તેવી અપેક્ષા રાખવી નહિ. તેનું સ્થાન સમય જતા બદલાયેલું પણ હોઇ શકે છે. તેની ચોકસાઇ જે તે પરિવારે જાતે જ કરવી યોગ્ય રહેશે. નીકુલભાઇ બારોટ આગળ સ્પષ્ટ જણાવે છે કે, હું માત્ર બારોટ છું. પૂજાતા દેવ - કરદેવ, સુરધન, સુરાપુરા અંગે ચોપડાના માધ્યમથી બતાવી શકું છું. બ્રહ્મત્વ બતાવી શકતો નથી.

સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન કરો...

૮૦ ફૂટ રોડ, સનફલાવર સ્કૂલ રોડ,

પ્રાઇમ રેસીડેન્સી, ત્રીજા માળે,

ફલેટ નં. ૩૦૨, સુરેન્દ્રનગર.

મો. ૯૯૧૩૬ ૭૯૩૬૯ / ૯૯૨૫૩ ૪૦૫૪૮

(12:02 pm IST)