Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વાંકાનેરનાં નવા-જુના કલાવડીમાં ૯ ઇંચ વરસાદ

શહેરમાં સાડા ત્રણથી ૪ ઇંચઃ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસતા પાણી-પાણી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૬: વાંકાનેરમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ થયો છે જયારે ગ્રામ્ય વિસ્તારો, નવી-જુની કલાવડીમાં નવેક ઇંચ વરસાદ થયાનું નવી કલાવડીના માજી સરપંચ હુશેનભાઇ બાદી એ ફોન દ્વારા જણાવેલ. ત્યાં ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડેલ. કોઇ જાનહાની નુકશાનીના સમાચાર નથી.

એજ વિસ્તારના સિંધાવદર ખીજડીયા, કણકોટ, ખેરવા, કલાવડી, પ્રતાપગઢ, વણજારા સહિતના ગામોમાં છ થી સાત ઇંચ વરસાદ થયો છે. તે વરસાદના કારણે આસોઇ નદીમાં ઘોડાપુર આવ્યા છે. બાજુના વિસ્તાર, તિથવા, પાંચ દુવારકા, અરણીટીંબા, વાલાસણ, પીપળીયામાં પણ ચારથી પાંચ ઇંચ વરસાદ થયો છે. જયારે પંચાસીયા, વાંકીયા, રાતીદેવરીમાં બે થી અઢી ઇંચ વરસાદ થયાના અહેવાલો સાંપડે છે.

મહીકા પંથકના કોઠી-જોધપર-મહીકા-લાલપર-લીંબાળા અને ચંદ્રપુર, રાજાવડલા વગેરે વિસ્તારમાં ભારે વરસાદના સમાચારો મળે છે. મચ્છુ નદી-પતાળીયા અને માટેલીયા વોંકળામાં નવા નીર આવતા લોકો ખુશ થયા છે. માટેલ વિસતારના માટેલ-ઢુવા-પાડધરા-પલાસ-લુણસરમાં ભારે વરસાદ થતા મહા નદીમાં પુર આવ્યા છે.

તેમજ મેસરીયા પંથકમાં પણ ભારે વરસાદ થયાના અહેવાલો મળે છે. સર્વત્ર મેઘ મહેર થતા ખેડુતો આનંદમાં આવી ગયા છે. વાંકાનેર શહેરમાં છેલ્લા બે દિવસમાં સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ થતા ઠંડક પ્રસરી જવા પામી છે. હજુ પણ આભમાં વરસાદી માહોલ મંડરાયો હોઇ, વધુ વરસાદ વરસશે તેવી આશાઓ રખાઇ રહી છે. 

(12:10 pm IST)