Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબીમાં સતત વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા : અનેક ઘરોમાં પાણી ઘુસ્યા : ટ્રાફિક જામની સમસ્યાઓનો સામનો કરતા નગરજનો

જાહેર માર્ગો નદીના વહેણમાં ફેરવાતા ટ્રાફિકજામની હાડમારી, નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોની કફોડી હાલત

મોરબી : મોરબીમાં મેઘરાજાએ તંત્રની કહેવાતી પ્રિમોનસૂન કામગીરીના ધજીયા ઉડાવી દીધા છે. ત્રણેક ઈંચ જેટલા વરસાદમાં જ શહેર જાણે જળબંબાકાર બની ગયું હોય તે હદે ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. શેરી ગલી, ઘરો અને માર્ગો ઉપર ધમસમતા પાણી ફરી વળ્યાં છે. તેમાંય નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાવાની સાથે અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકોની કફોડી હાલત થઈ ગઈ છે. જ્યારે માર્ગો મદીના વહેણ બની જતા ટ્રાફિકજામની હાડમારી સર્જાઈ હતી.

મોરબીમાં ગતરાત્રીથી મેઘરાજા દે ધનાદનની જેમ સતત ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. પણ સતત વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાવવાની કાયમી સમસ્યાએ મોં ફાડ્યું છે. જો કે હજુ ત્રણથી વધુ ઈંચ જ વરસાદ પડ્યો છે. આટલા વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. તેમાંય નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત મોટાભાગના માર્ગો ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી ફરી વળ્યાં છે. રોડ ઉપર પાણી ભરાતા મુખ્ય રસ્તાઓ પર ઠેરઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. ખાસ કરીને શહેરમાંથી સામાકાંઠા તરફ સીરામીક એકમોમાં કામ સબબ નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો.

મોરબીના શાક માર્કેટની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ સરદાર બાગ સામેના રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત શનાળા રોડ તેમજ સુપર માર્કેટ ઉપર પાણી નદીના વહેણની જેમ ફરી વળ્યાં હતા. વાવડી રોડ અને લાતીપ્લોટ વિસ્તાર તેમજ આજુબાજુમાં 3-3 ફૂટ જેટલા પાણી ભરાતા હોડી લઈને પસાર થવું પડે એવી સ્થિતિ વચ્ચે વાહનોના વ્હીલ ડૂબી જાય તેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ વાવડી રોડની ગાયત્રીનગર સહિતની સોસાયટીઓમાં તથા વીસીપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે, શોભેશ્વર રોડ જિલ્લા સેવા સદન, એસ.પી. કચેરી બહાર બાઈક ડૂબી જાય એટલે પાણી ભરાયા હતા. મોટાભાગના રસ્તાઓ ઉપર ફૂટ કે દોઢ ફૂટ સુધી પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયાની ફરિયાદ ઉઠી હતી. આ ઉપરાંત અવની ચોકડી તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ સમાન ભૂગર્ભ ગટરો અને વોકળા ચોકઅપ હોવાને કારણે ત્રણ ઇંચ જેવા વરસાદમાં પણ શહેરની આવી કફોડી સ્થિતિ સર્જાતા લોકોને ટ્રાફિકની સાથે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

(1:07 pm IST)