Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કચ્છ કોંગ્રેસની સતત રજૂઆતને પગલે ઘડુલી સાંતલપુર બાયપાસ હાઈવેના કામમાં ગતિ

રણ રસ્તાને સમાંતર નર્મદાની લાઈન નાખી પીવાના પાણી સમસ્યા ઉકેલવા માંગ: પૂર્વ ધારાસભ્ય મહેશ ઠકકર, પ્રદેશ અગ્રણી આદમ ચાકી, નવલસિંહ જાડેજા સહિતના કોંગ્રેસી આગેવાનોએ લીધી રણ રસ્તાની સાઈટ વીઝીટ

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ)  કચ્છની કાયાપલટ માટે આર્થિક અને વ્યુહાત્મક રીતે બહુ અગત્યના ગણી શકાય બનાસકાંઠાને જોડતા રણ રસ્તાની કચ્છ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ૬ માસ અગાઉ ગુલામી ધોમડા પક્ષીઓના મૃત ઈંડા મળ્યા બાદ જે તે વખતે પક્ષીવિદો અને પર્યાવરણવાદીઓની રજુઆતના પગલે ધોરીમાર્ગનું કામ બંધ કરવામાં આવેલ હતું. ત્યારબાદ   કચ્છ કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળ વતી પૂર્વ ધારાસભ્ય અને પીઢ અગ્રણી મહેશભાઈ ઠકકર, કોંગ્રેસના પ્રદેશ અગણી આદમભાઈ ચાકી, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવલસિહ જાડેજા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રમેશભાઈ ગરવા અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા શ્રી ધનશ્યામસિંહ ભાટી સહિતના પ્રતિનિધિ મંડળે જે તે વખતે બન્ની પચ્છમ વિસ્તારના વરિષ્ઠ આગેવાનો હાજી અલાના અને જુમ્માભાઈ સમા સાથે ગુલાબી ધોમડા પછીના ઈંડા વાળી રણ જગ્યાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારબાદ જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાના અધિકારીઓ સાથે આધાર પુરાવા સાથે એ ઘટનાના વિસ્તૃત અહેવાલ સાથે સાચી પરિસ્થિતિથી અવગત  કરી ગુલાબી ધોમડા પક્ષીના ઇંડાના મામલે બંધ થયેલ ઘડુલી સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ તાકીદે શરૂ કરવા રજુઆત કરી હતી. જે તે વખતે કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજુઆતને પગલે  અધિકારીઓ દ્વારા જે તે ઘટનાની ગંભીરતા અને કામ બંધ રાખવાની નોબતને ધ્યાને લીધા બાદ સાચી પરિસ્થિતિ જાણ્યા પછી તે વખતે જ બંધ થયેલું કામ ફરી તાકીદે શરૂ કરવા કામના ઠેકેદારોને સુચના આપવામાં આવી હતી. જેને પગલે બંધ થયેલ કામ તાત્કાલીક શરૂ થયેલ હતું. હાલના તબક્કે ઘડુલી સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં કાઢવાંઢ ધોળાવીરા રણમાંથી પસાર થતાં ધોરીમાર્ગના માટી કામ સહિતના કામમાં ખૂબજ ઝડપ આવી છે.
ઘડુલી સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામમાં આવેલ ઝડપના પગલે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સ્વપ્નદ્રષ્ટા અને અભ્યાસુ, પીઢ અગ્રણી પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કરે ખુશી વ્યક્ત કરી છે. સાથે સાથે શ્રી ઠકકરે રાજય સરકાર સમક્ષ તેમની વર્ષો જુની માંગણી જેમાં ઘડુલી સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગની સમાંતર નર્મદાના પીવાના પાણીની પાઈપ લાઈન પાથરવા રજૂઆત કરી છે. આ પાઈપ લાઇન થકી કચ્છ જિલ્લાના પછાત ગણી શકાય એવા બન્ની પચ્છમ અને લખપત તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.  પૂર્વ ધારાસભ્ય સાથે કચ્છ કોંગ્રેસના આગેવાનોએ રણ રસ્તાને સમાંતર નર્મદાના પીવાના પાણીની લાઈન તાત્કાલીક નાખીને રણ વિસ્તારના ગામડાઓની પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માંગણી કરી છે.

(2:05 pm IST)