Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પોરબંદરઃ વિધાનસભાની ચૂંટણીની કામગીરી અંગે નોડલ અધિકરીઓની બેઠક મળી

 પોરબંદર,તા.૨૨, આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લાના જુદા-જુદા નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી.
પોરબંદર જિલ્લામાં સમાવિષ્‍ટ કુતિયાણા અને પોરબંદરની વિધાનસભા બેઠકની ચૂંટણીમાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓની વિવિધ કામગીરીની સંદર્ભે કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ જરૂરી સૂચનો આપવાની સાથે અધિકારીશ્રીઓ સાથે પ્રશ્નોતરી કરી અભિપ્રાયો જાણ્‍યા હતા.
કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું કે, લોકશાહીના આ પર્વમાં જે અધિકારી, કર્મચારીને ચૂંટણીની કામગીરી સોપવામાં આવે તેમણે પૂરી નિષ્‍ઠાથી ફરજ બજાવીને લોકશાહીના આ પર્વ જોડાયને સૌએ સાથે મળીને કામ કરીને પોતાની ફરજ બજાવવા કહ્યુ હતું.
બેઠકમાં જુદા-જુદા ૧૮ નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા. જુેમાં નોડલ ઓફિસર ફોર મેન પાવર મેનેજમેન્‍ટ,  નોડલ ઓફિસર ફોર તાલીમ, નોડલ ઓફિસર ફોર લો એન્‍ડ ઓર્ડર સહિત ૧૮ નોડલ ઓફિસર હાજર રહ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણી, અધિક નિવાસી કલેકટરશ્રી એમ.કે.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સહિતના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

(10:23 am IST)