Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબીમાં પરપ્રાંતીય શ્રમીકની હત્‍યામાં સિકયુરીટી ગાર્ડ સહિત ૪ સામે ગુન્‍હો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ર૬:  મધ્‍યપ્રદેશથી મોરબી કામ કરવા આવેલા શ્રમિકને એપલ સિરામીક કારખાના નજીક ૪ શખ્‍સોએ ઢોરમાર મારતા તેનું મોત થતા બનાવ હત્‍યામાં પલ્‍ટાતા આ મામલે સિકયુરીટી ગાર્ડ સહિત ૪ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

ફરિયાદી નાથુ લક્ષમણ ભાભરે આરોપી શૈલેષ પસવાભાઇ પરમાર, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે, છેલ્લા ૧૫ દિવસ થી તેમના ભાઈ મંગલસીંગ લક્ષમણ ભાભર રોજગારી પ્રાપ્ત કરવા મોરબી આવ્‍યા હતા. ગત તા.૨૩ સપ્‍ટેમ્‍બરના રોજ રાત્રીના સમયે તેમના ભાઈ મંગલસીંગ લક્ષમણ ભાભર બંધુનગર ગામની સીમ, એપલ સીરામીક કારખાના પાસે ગયા હતા. જ્‍યાં કારખાનાના સિકયુરિટી ગાર્ડ શૈલેષ પરમાર, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલએ અગમ્‍ય કારણોસર મંગલસીંગને  ઢીકાપાટુ તથા લાકડી કે ધોકા વડે શરીરે મુંઢમાર મારી ગંભીર ઇજા પહોચાડી હતી અને તેને એપલ કારખાનાની બહાર છોડી દીધો હતો. બીજે દિવસે સવારે અરણ્‍ય શ્રમિકોએ તેને જમીન પર ફસડાઈ પડેલો નિહાળીને ૧૦૮માં જાણ કરી હતી. અને તેમને મોરબીની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે મંગલસિંહને મળત જાહેર કર્યા હતા. આ ફરિયાદને આધારે પોલીસે આઇ.પી.સી.કલમ-૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:24 pm IST)