Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગોંડલ પાસે અકસ્માતમાં છના મોતથી અરેરાટી : હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો

સુરત સ્થિત અને મુળ બગસરાના મુંજીયાસરનો ગઢીયા પરિવાર લગ્ન પ્રસંગમાં જતા'તાને ટાયર ફાટતા કાર ડિવાઇડર સાથે બસ સાથે અડથાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

ગોંડલ : અકસ્માતમાં મરણ ચીસો માટે કુખ્યાત બનેલ નેશનલ હાઇવે બિલિયાળા ગામના પાટિયા પાસે એસેન્ટ કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૬ના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.  સુરતના કપોદરા સોસાયટીમાં રહેતા મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા ઉ.વ. ૩૮, પત્ની સોનલબેન ઉ.વ. ૩૮, પુત્ર ધર્મિલ ઉ.વ. ૧૨, માતા શારદાબેન ઉ.વ. ૫૬, બનેવી પ્રફુલભાઈ બામ્ભરોલિયા, બહેન ભાનુબેન અને આઠ વર્ષ ના ભાણેજ સહિતનાઓ એસેન્ટ કાર GJ05 CQ 4239 મારફત સૌરાષ્ટ્રમાં સંબંધી ને ત્યાં લગ્ન પ્રસંગ માં આવી રહ્યા હતા ત્યારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં જઇ એસટી બસ GJ18Z 4178 સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તથા ભાનુબેનનું મોત નિપજતા મૃતદેહો ને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જયારે ધર્મિલ અને જેની ને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ધર્મિલનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. છ સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો હતો.  નેશનલ હાઇવે ઉપર અકસ્માતની જાણ થતાં શિવમ સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડે ગોંડલ સરકારી હોસ્પિટલની બંને એમ્બ્યુલન્સ બંધ હોય કોટડા સાંગાણી થી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી ધર્મિલ અને જેનીને સારવાર માટે રાજકોટ ખસેડી મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો, ટ્રસ્ટના સભ્ય ગીરીશભાઈ ગોહિલ એ મૃતકના સોના ચાંદીના દાગીના એકઠા કરી પોલીસને સોંપ્યા હતા. તસ્વીરમાઃઅકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો અને અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય -ગોંડલ)

(11:34 am IST)