Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગાંધીધામ જમીન કૌભાંડમાં જાણીતા બિલ્ડર બીજલ મહેતા સહિત ૭ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો

ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચાણ કરી મહેસાણા અર્બન બેંકમાંથી નિયમ વળોટી ૩૭ કરોડની લોન લીધી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : ગાંધીધામના પડાણા મધ્યે આવેલ કરોડો રૂપિયાની કિંમતી જમીન ખોટા દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર રીતે વેંચ સાટ કરવા બદલ જાણીતા બિલ્ડર બીજલ જયેશ મહેતા સહિત સાત જણ સામે લેન્ડ ગ્રેબિગ એકટ હેઠળ ગુનો દાખલ કરાતા ચકચાર મચી ગઇ છે.

આ કેસમાં ફરિયાદી અમૃતલાલ ભાણજી શાહે એક વર્ષ અગાઉ આ જમીન અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. તે દરમ્યાન ફરી જમીન માલિક અમૃતલાલ ભાણજી શાહે જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એકટ તળે ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. જે અંતર્ગત ફરિયાદી અમૃતલાલ ભાણજી શાહનું નામ ધારણ કરી ખોટા આધાર પુરાવા રજૂ કરાયા હતા તે પુરાવાઓ સાથે ખોટું નામ ધારણ કરી જમીન વેચનાર પ્રવીણ વેરશી બોરીચા અને આ જમીન ૧ કરોડ ૩૬ લાખ ૭૧ હજારમાં ખરીદનાર સનમુખરાવ અપ્પારાવ વચ્ચે રજીસ્ટર વેંચાણ દસ્તાવેજ થયા હતા. હકીકતમાં બન્ને વચ્ચે કોઈ પણ નાણાકીય વ્યવહાર થયો નહોતો પરંતુ દસ્તાવેજમાં એચડીએફસી બેંકના ચેક દર્શાવાયા હતા. જમીન ઉપર મહેસાણા અર્બન બેંક ગાંધીધામ માંથી નિયમ વળોટી ૩૭ કરોડની લોન લઈ જમીન ઉપર બેન્કનો બોજો દાખલ કરાયો હતો. મહેસાણા અર્બન બેંક ગાંધીધામના મેનેજરને માત્ર ૧૦ લાખની લોન મંજૂર કરવાની સત્ત્।ા હોવા છતાં ૨૪ કલાકમાં જ ૩૭ કરોડની લોન મંજૂર કરી દીધી હતી. આ સમગ્ર કેસમાં ભાવેશ દિનેશ રાઠોડ અને વીરેન્દ્ર સુરેશ ધૂળિયા એ ખોટી ઓળખ આપી હતી.

અન્ય આરોપીઓ પરેશ ગડા અને મહેન્દ્ર રાજગોરે જમીન લે વેચ માં મદદ કરી હતી. જયારે અગ્રણી બિલ્ડર બીજલ જયેશ મહેતાએ જમીનના ખોટા દસ્તાવેજ માટે સ્ટેમ્પ ડ્યૂટીના રૂપિયા અને બેંક લોન માટેની સ્ટેમ્પ ડયૂટીના રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી આપ્યા હતા. બિલ્ડર બીજલ મહેતાએ આ કેસના મુંબઈથી આવેલા આરોપીઓને હોટેલમાં રહેવા માટે પણ રૂપિયા આપ્યા હતા.

આ સમગ્ર કેસ કોર્ટમાં પેન્ડિગ છે, તે દરમ્યાન ફરિયાદી એવા જમીનના મૂળ માલિક અમૃતલાલ ભાણજી શાહે જિલ્લા કલેકટર પ્રવિણા ડીકે સમક્ષ આ સાતેય આરોપીઓ ઉપરાંત જે તપાસમાં નીકળે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધવા રજૂઆત કરી હતી. જે અંગે ભુજ જિલ્લા કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરાયા બાદ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ થયો છે.

(11:01 am IST)