Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કાલે સંવિધાન ગૌરવ દિવસ

જામનગર, તા.રપ : કાલે તા. ર૬ નવેમ્બરના સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાશે.

કોઇપણ દેશનું સંવિધાન એ જે તે દેશની આર્થિક, સામાજીક, નૈતિક, ઉત્કર્ષ અને જનકલ્યાણનું પ્રતિક હોય છે. ૧પ મી ઓગષ્ટ-૧૯૪૭ ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારત દેશ સામે બેકારી, ભુખમરો, સ્ત્રીઓ, બાળકો, મજુરોનું શોષણ પ્રાંત મુજબના રાજાશાહીના નિયમો અને વિવિધ જાતિઓના ઉચ્ચ-નીચના વાડાઓ ધરાવતી વર્ણ વ્યવસ્થાનાં નિયમો હતા અને આ સમયમાં એક આદર્શ ભારતનું નિર્માણ કરી શકે એવા બંધારણનું ગઠન થવુ જોઇએ એવું મોટા ભાગના સ્વતંત્રતા સેવાઅીઓનું માનવું હતું. પરિણામે બંધારણ સભાની શરૂઆત થઇ જેમાં વિભાજન પહેલા ૩૮૯ સભ્યો અને પાકિસ્તાનું ભારતમાંથી વિભાજય થયા બાદ ર૯૬ સભ્યો હતા જેના હેઠળ જુદી જુદી સમિતિઓની રચના થઇ અને આ દેશનું બંધારણ ઘડવા માટેની ડ્રાફટીંગ કમીટીની ૭ સભ્યોની બનેલી સમિતિ ડો. બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષ સ્થાને અમલમાં આવી આ સંમિતિના અમુક સભ્યો મૃત્યુ પામ્યા, અમુક વિદેશ કાર્યમાં તેમજ અમુક સભ્યો પોતાના રાજયના કાર્યોમાં લીન હોવાથી ભારતીય બંધારણની મોટાભાગની જવાબદારી ડો. બાબા સાહેબે નિભવાી જેના કારણે તેમને ભારતનાં બંધારણના ઘડવૈયા કે પિતાનો દરજજો ઇતિહાસ કારો અને આ દેશના સંવિધાને આપ્યો. અને આ તૈયાર થયેલા સંવિધાન (બંધારણ) ને તા. ર૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદજીને સુપ્રત કરીને, બંધારણ સભા દ્વારા સ્વીકૃત કરવામાં આવેલ જે દિવસને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ બંધારણનો અમલ ર૬ મી જાન્યુઆરી ૧૯પ૦ થી શરૂ થયો. 

ભારતીય બંધારણએ દુનિયાનો સૌથી મોટો હસ્ત લિખિત અને અમુક ભાગો સુધારા વધારા કરી શકાય એવો લચીલો તો અમુક ભાગોમાં સુધારા થઇ જ ન શકે એવો સખત પણ છે. સંવિધાન દ્વારા કેન્દ્ર અને રાજયો વચ્ચે સતા વહેંચણીના પ્રકારો પણ નકકી કરવામાં આવ્યા અને રાજયની સ્થિતિને અનુલક્ષીને કાયદો બનાવવાની પણ જોગવાઇઓ કરાઇ. ટુંકમાં ભારતનું બંધારણ એટલે બધા કાયદાઓ અને પેટા કાયદાઓને સમાવતો સૌથી મોટામાં મોટો કાયદો, દેશના કોઇપણ નાગરિક કે તેનાથી જોડાયેલી હોય એવી કોઇપણ સંસ્થાની કે પોતાની દરેક જાતની સમસ્યાનું નિરાકરણ થાય અને બંધારણનો નિષ્પેક્ષ અમલ થાય એ માટે ન્યાયાલયો (કોર્ટો) ને વિશેષ સેવાઓ અપાઇ જયાં ન્યાયધિશનું કોઇપણ જાતની શેહ શરમ કે રાજકીય દબાણ કે દલખગીરી વિના સ્વતંત્ર આદેશ કરી શકે છે અને કેટલાંક ન્યાયધિશોએ આદર્શ ચુકાદાઓ આપીને આ દશેને નવી ચેતનાઓ પણ આપી છે.

આ દેશના રાજકીટ નેતાઓએ જો ડો. બાબા સાહેબ આંબેડકરના બંધારણનો અમલ પુરી વફાદારીથી કર્યો હોય તો ભારત દેશ કયારનુંય  માત્ર સુપર પાવર નહીં પણ ફાધર ઓફ સુપર પાવર બની શકતુ હોત, કમનશીબે આવા ભ્રષ્ટ નેતાઓના પરીણામે જે દેશને ઘણું નુકશાન થયું છે તે થઇ પણ રહયું છે પરીણામે આ વાત અંગે પહેલાથી જ જાણતા હોય એમ બંધારણ સુપ્રત કર્યા પછીના પોતાના સંસદના પ્રવચનમાં ડો. બાબા સાહેબએ જણાવ્યું હતું કે બંધારણની સફળતાનો આધાર તેના અમલકર્તાને આધીન છે. બંધારણ ગમે તેટલું સારૂ હોય પણ તેનો અમલ કર્તા ભ્રષ્ટ અને લાલચી હશે તો કોઇનું ભલુ નહીં થાય.

ભૂતકાળના ઇતિહાસકારોએ ડો. બાબાસાહેબનું અવમૂલ્ય કર્યુ, બંધારણની મહતતા ઓછી આંકી પણ ધીમે ધીમે ડો. બાબા સાહેબે માત્ર વ્યકિત વિશેષ નહી પણ વિચારધારા બન્યા ભારતના સાચા ભારત રત્ન બન્યા પરિણામે ર૬ નવેમ્બર ર૦૧પ થી શરૂ કરાયેલી સંવિધાન દિવસની ઉજવણીઓ આજે લાખો લોકો વિવિધ રીતે ઉજવી રહ્યા છે. સંવિધાન અને તેના ઘડવૈયા ડો. બાબા સાહેબને વંદન કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ પણ આ મહામાનવ અને એમણે દેશને સમર્પીત કરેલા સંવિધાનને નમન કરીને આપણી ફરજ બજાવી તમામ જાતના ભેદ ભાવ ભુલીને એક ભારતના સાચા નાગરિક બનીએ.(૯.૬)

આલેખન

કિરણકુમાર એલ. ગડણ,

જામનગર

(12:36 pm IST)