Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબી રોડ રાધીકા પાર્કમાં રમતાં રમતાં ભોં ટાંકામાં પડી જતાં ૩ વર્ષના દેવરાજનું મોત

લાડકવાયાને ગુમાવતાં બ્રાહ્મણ પરિવારમાં કલ્પાંતઃ માતા ઉર્મિલાબેન દિકરાને શોધવા નીકળ્યા ત્યારે બાજુમાં બનતા મકાનની સાઇટના ટાંકામાંથી બેભાન મળ્યોઃ હોસ્પિટલમાં ખસેડ્યો પણ...

રાજકોટ તા. ૨૬: મોરબી રોડ પર ઓમનગર પાસે રાધીકા પાર્ક-૨ શેરી નં. ૨માં રહેતાં જગદીશભાઇ ભોગાયતા (બ્રાહ્મણ) અને ઉર્મિલાબેન ભોગાયતાનો પુત્ર દેવરાજ (ઉ.વ.૩) ગઇકાલે ઘરમાંથી બહાર રમવા ગયા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ કરતાં બાજુમાં નવા બનતા મકાનની સાઇટના ભોં ટાંકામાંથી બેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને ભાવેશભાઇએ જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ જરૃરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દેવરાજ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પિતા જગદીશભાઇ બાંધકામ અને જમીન મકાનનો ધંધો કરે છે. ગઇકાલે બપોર બાદ દેવરાજ ઘરમાંથી રમવા માટે બહાર ગયો હતો. થોડીવાર બાદ માતા ઉર્મિલાબેન તેને બહાર બોલાવવા ગયા ત્યારે જોવા ન મળતાં આકુળ વ્યાકુળ થઇ આસપાસમાં શોધખોળ શરૃ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. એ દરમિયાન એક પડોશીએ બાજુમાં બનતા મકાનની સાઇટ પર તપાસ કરતાં ત્યાં ભોં ટાંકામાં તે તરતો મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

દેવરાજને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:27 am IST)