Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જસદણ બેઠકના ૬૮ મતદાન બિલ્‍ડીંગ ઉપર ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્‍ટિંગ થશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૬: જસદણ વિધાનસભા બેઠકના મતદાન મથકોના કુલ મળીને ૬૮ મતદાન મથકના બિલ્‍ડીંગ ઉપર વિડીયો દ્વારા વેબ કાસ્‍ટિંગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો, ઓછું મતદાન થતું હોય તેવા મતદાન મથકો, વધારે મતદાન થતું હોય તેવા મતદાન મથકો તેમજ અગાઉ કોઈ જૂથ અથડામણ થઈ હોય અથવા મતદાન પ્રક્રિયામાં અડચણરૂપ ઘટના બની હોય તેવા મતદાન મથકો ઉપર સામાન્‍ય રીતે વેબકાસ્‍ટિંગ કરવામાં આવે છે એટલે કે આવા મતદાન મથક ઉપર સીસીટીવી કેમેરાની જેમ સમગ્ર મતદાન મથકની મતદાનનાં દિવસે આખા દિવસની પ્રક્રિયાનું લાઇવ વિડિયો કરવામાં આવે છે. જોકે આ લાઇવ વિડિયો ફક્‍ત મુખ્‍ય ચૂંટણી અધિકારી સહિત ચૂંટણી પંચનાં ઉચ્‍ચ અધિકારીઓ જોઈ શકે છે. ૭૨ - જસદણ વિધાનસભા બેઠક માટે જસદણ શહેરના મતદાન મથકના ૫ બિલ્‍ડિંગ, જસદણ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના ૩૫ બિલ્‍ડીંગ, વિછીયા શહેર અને તાલુકાના ૨૪ બિલ્‍ડીંગ તેમજ જસદણ બેઠક હેઠળના ગોંડલ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારનાં ૪ બિલ્‍ડિંગ મળીને કુલ ૬૮ મતદાન મથકના બિલ્‍ડીંગ ઉપર અને કુલ મળીને ૧૩૧ મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્‍ટિંગ કરવામાં આવશે. જસદણ ચૂંટણી અધિકારી રાજેશ જી. આલના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી અને જસદણ મામલતદાર સંજયસિંહ અસવાર દ્વારાᅠ આ અંગેની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

(11:28 am IST)