Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પોરબંદરના પક્ષી અભ્‍યારણમાં વારંવાર ઘુસી જતા પશુઓને રોકવા ફેન્‍સીંગ કરવા કોંગ્રેસની રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૬: પક્ષી અભ્‍યારણમાં વારંવાર શ્વાન અને ડુકકર ઘુસી જતાં  પક્ષીઓના જીવ ઉપર જોખમ ઉભું થઇ જાય છે. પક્ષી અભ્‍યારણની ફરતે ફેન્‍સીંગ (કાંટાના તાર) બાંધવા કોગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્‍યું છે કે પક્ષી અભ્‍યારણ્‍યમાં મકર સંક્રાતિ સમયે અનેક પંખીઓ ઘાયલ થયા હતા, ઇજાગ્રસ્‍ત આ પંખીઓમાંથી મોટા ભાગના કુંજ અને કરકરા જેવા માઇગ્રેટરી બર્ડસ પોતાના વતન પરત જઇ શકતા નથી. આ પ્રકારના અંદાજે ૪૦ જેટલા પક્ષીઓ પૈકી અનેક પક્ષીઓને શ્વાન અભ્‍યારણ્‍યની અંદર ઘુસીને શિકાર બનાવે છે. ઇજાગ્રસ્‍ત હોવાના લીધે તેઓ ઉડી શકતા નથી ત્‍યારે તેઓને રક્ષણ આપવું જરૂરી છે. વોકીંગ પ્‍લાઝા પાસેના તૂટેલા  દરવાજામાંથી પશુઓ ઘુસણખોરી કરે છે.

અભ્‍યારણ્‍ય આવેલું છે. જયા વિવિધ પ્રકારની પક્ષીઓની પ્રજાતીઓનો કલરવ સાંભળવા મળે છે. વિશ્વભરમાં માત્ર એક પોરબંદર શહેરની વચ્‍ચોવચ્‍ચ આવેલ આ એકમાત્ર એવું પક્ષીઅભ્‍યારણ્‍ય છે કે, જયાં બારે માસ પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે. અહીંયા ઇજાગ્રસ્‍ત પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. ઇ.સ.૧૯૯૦ આસપાસ તેની સ્‍થાપના થઇ હતી. જ્‍યાં પક્ષીઓની ૮૬ જેટલી જાત જોવા મળી છે. ૯.૩૩ હેકટરમાં ફેલાયેલ એશીયાની શહેર મધ્‍યે આવેલી સૌથી નાની બર્ડસેન્‍ચુરીમાં વન્‍ય પ્રાણીઓ અને પક્ષીઓના જતન અને સંવર્ધન માટે વનવિભાગ કટીબધ્‍ધ છે.ઇજાગ્રસ્‍ત  પક્ષીઓને અહીંયા સાચવવામાં આવી રહ્યા છે.  પરંતુ પશુઓની ઘુસણખોરી અટકાવી શકાતી નથી. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

આ રજુઆતમાં જણાવેલ કે કેટલાક દિવસોથી શ્વાન અને ડુક્કરોની ઘુસણખોરી વધી ગઇ છે. તેથી ઇજાગ્રસ્‍ત પક્ષીઓના જીવ ઉપર મોટુ જોખમ સર્જાયું છે. પક્ષી અભ્‍યારણ્‍યમાં અવારનવાર જુદા જુદા પ્રકારના ઇજાગ્રસ્‍ત પક્ષીઓને સાચવવામાં આવે છે. પરંતુ આ પક્ષીઓ ઉડી શકતા નથી તેથી વોકીંગ પ્‍લાઝાના આગળના ભાગના અભ્‍યારણ્‍યમાં તે વિહરતા હોય છે. અને અમે બધા વોકીંગ કરવા આવતા સભ્‍યો આ પક્ષીઓને જુવાર સહીત ચણ નાખે છે. પરંતુ અભ્‍યારણ્‍યમાં અનેક જગ્‍યાએ ફેન્‍સીંગ નહી હોવાથી શ્વાન અને ડુકકર જેવા પ્રાણીઓ પક્ષી અભ્‍યારણ્‍યની અંદર ઘુસી જાય છે. અને ઇજાગ્રસ્‍ત પક્ષીઓને નુકસાન પહોંચાડે છે. તેઓની શાંતિને પણ ખલેલ પહોંચાડતા પ્રાણીઓનો ત્રાસ વધ્‍યો છે. તંત્ર દ્વારા પક્ષીઓની સુરક્ષા માટે નકકર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

આ અભ્‍યારણ્‍યમાં દેશી વિદેશી પક્ષીઓ માટી સંખ્‍યામાં વસવાટ કરે છે. મકરસંક્રાતિ સમયે ઇજાગ્રસ્‍ત બનતી કુંજ અને કરકરા સહિત ફલેમીંગો અને પેલીકન જેવા પક્ષીઓ પાંખ કપાયેલ હોવાથી અથવાતો વધુ ઇજા થઇ હોવાથી વતન થઇ શકતા નથી માઇગ્રેટરી બર્ડસ એવા આ પક્ષીઓ શીયાળા દરમ્‍યાન પોરબંદર ઉપરથી પસાર થાય છે. અને જળપ્‍લાવિત  વિસ્‍તારો પાસે આશરો લે છે ત્‍યારે પતંગના દોરાનો ભોગ બને છે. આવા ઘવાયેલા પક્ષીઓ માટે કાયમી ઘોરણે વિકલાંગતા આવી જતી હોય છે. અને તેથી તેઓ ફરજીયાત પણે પક્ષી અભ્‍યારણ્‍યના આશરે રહે છે. પરંતુ તેઓ બીમાર અને ઇજાગ્રસ્‍ત  હોવાથી શ્વાન જેવા પ્રાણીઓ તેનો શિકાર  કરવા આવે ત્‍યારે ઉડી શકતા નથી. અને પ્રતિકાર પણ કરી શકતા નથી. તેથી તેઓના  બચાવ માટે યોગ્‍ય કાર્યવાહી થવી જોઇએ અહીંયા નાની ચોટલી, નાની ડુબકી જેવા બતક ઉપરાંત કાળા કાજીયા સર્પગ્રીવ, કાણી બગલી, ઢોક બગલો, સીસોટી બતક, ટીલયાળી બતક, નીલસીર, જલમુરઘા, ભગતડુ, દરજીડો, કલકલીયો જેવા પક્ષીઓ વસવાટ કરે છે. આથી એ પક્ષીઓને પણ ખલેલ પહોંચી રહી છે. માટે જંગલ ખાતાએ પક્ષીઓની સલામતી માટેની તાત્‍કાલીક વ્‍યવસ્‍થા કરવા રજુઆતમાં જણાવેલ છે. 

(11:29 am IST)