Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાવનગરના ખંઢેરા ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

ભાવનગર તા.૨૬ : તળાજાના દાઠા પોલીસ મથક તાબેના ખંઢેરા ગામની અરેણીયા સીમ તરીકે ઓળખાતી જગ્‍યામાં ગામના ગોરધનભાઈ બચુભાઈ કાકડીયા અને જીવરાજભાઈ બચુભાઈ કાકડીયાની જમીન પૈકી ૨૭ વીઘા ખેતીની જમીન ફારમેં રાખી આજ ગામમાં રહેતા ધનજી વજાભાઈ ઢાપા અને ધરમશી વજાભાઈ ઢાપાએ વાડીમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્‍ચે લીલા ગાંજામાં છોડનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે ભાવનગર એસ.ઓ.જી. ટીમે બાતમીવાળી વાડીમાં દરોડો પાડતા વાડીમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્‍ચે લીલા ગાંજાના છોડનું વાવેતર મળી આવ્‍યું હતું.

એસ.ઓ.જી. ટીમે લીલા ગાંજાના નાની-મોટી સાઇઝના ૨૯૧ નંગ છોડ જેનું વજન ૫૨૯.૭૮૦ ગ્રામ થતું હોય, જેની કિં. રૂ.૨૬,૨૮,૯૦૦ તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ. ૨૬,૫૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે ધનજી વજાભાઈ ઢાપા ( ઉ.વ.૩૬ ) રહે. ખંઢેરાને ઝડપી લીધો હતો.

એસ.ઓ.જી. પોલીસે વાડીમાં ગાંજાનો વાવેતર કરનાર ખંઢેરા ગામના બંને ભાઈઓ ધનજી ઢાપા અને ધરમશી ઢાપા વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં નાર્કોટિક્‍સ એક્‍ટરની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(11:32 am IST)