Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ખાંભાના દાઢીયાળી ગામે ચૂંટણી પ્રચારમાં ગયેલા ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાનો ગામ લોકો દ્વારા વિરોધ થતા સભા છોડીને ભાગ્‍યા

સ્‍થાનિક લોકોનો વિરોધ દર્શાવતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

અમરેલીઃ અમરેલીના ખાંભા પંથકના દાઢીયાળી ગામે ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાને ગામ લોકોએ ઘેરી લીધા હતા. બાદમાં સ્‍થાનિકો દ્વારા વિરોધ થતા ઉમેદવારને સભા છોડી બહાર નીકળી જવાની ફરજ પડી હતી.

ચૂંટણી આવે એટલે નેતાઓ વોટ માંગવા આવી જાય. પરંતું એકવાર ચૂંટણી જીતી ગયા બાદ ફરકતા પણ નથી. તેથી જ સમસ્યાઓથી પીડાતા મતદારો ચૂંટણી આવે એટલે ઉમેદવારો પર રોષ વ્યક્ત કરે છે. ત્યારે આવો જ કડવો અનુભવ અમરેલીમાં ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાને થયો હતો. વિરોધ થતા તેઓને અધૂરી સભા છોડીને બહાર નીકળી જવુ પડ્યુ હતું. 

ધારી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે. ધારીના કાગદડી અને ખાંભાના દાઢયાળી ગામમા પ્રચાર દરમ્યાન તેમનો વિરોધ થયો હતો. ખાંભાના દાઢીયાળી ગામમા વધુ વિરોધ થતા ભાજપના ઉમેદવારે અધૂરી સભા છોડી બહાર નીકળવાની ફરજ પડી હતી. ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. ગઈકાલે પ્રચાર દરમ્યાન બનેલી ઘટનાઓ આજે સામે આવી છે. 2022 માં ફરી વિરોધનો સુર સાથે લોક સમર્થન નહિ મળતા ભાજપની ચિંતા વધી છે. 

જેવી કાકડિયાનો ગામમાં પ્રવેશ થયો, તેમ લોકો તેમની ઘેરી વળ્યા હતા. જેથી જેવી કાકડિયાને અધૂરી સભા છોડીને જવુ પડ્યુ હતું. 

સૌરાષ્ટ્રમાં હંમેશા ભાજપ માટે કપરા ચઢાણ રહ્યાં છે. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સાથ મળતો રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ભાજપ માટે હંમેશા મુશ્કેલ સાબિત થયા છે. ત્યારે જો ફરી 2017 નું પુનરાવર્તન થશે તો ભાજપ બે આંકડામાં સમાઈ શકે છે.

(5:24 pm IST)