Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો : જો કે સાવચેતી જરૂરી

કચ્છમાં ૨ દિવસમાં ૩૫૬, મોરબીમાં ૧૨૫, જૂનાગઢમાં ૮૦ કેસ નોંધાયા

રાજકોટ,તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાતા રાહત થઇ છે. જો કે હજુ પણ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે સાવચેતી રાખવી જરૂરી છે.

કચ્છમાં ૨ દિવસમાં ૩૫૬, મોરબીમાં ૧૨૫, જૂનાગઢમાં ૮૦ પોઝીટીવ કેસ નોંધાયા છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છમાં ડંખીલા ઠાર વચ્ચે કોરોનાનો ફૂંફાડો યથાવત છે. ૨૫ અને ૨૬ જાન્યુઆરી એમ બે દિવસમાં ૨૪૪ અને ૩૧૨ મળીને ૩૫૬ કેસ નોંધાયા છે. અત્યારે ભુજ તેમ જ ગાંધીધામ એ બન્ને શહેરો હોટ સ્પોટ બન્યા છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે જાહેર રજાનો દિવસ હોય, ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટ્યા છે. આજે કોરોનાના નવા ૧૨૫ કેસ જ નોંધાયા છે. સામે સારા સમાચાર પણ આવ્યા છે જિલ્લાના ૨૮૫ દર્દીઓએ આજે કોરોનાને હરાવ્યો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે કુલ ૧૦૧૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૫ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ૫ તાલુકા મથકોમાં ૮૪ કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં ૪૧ કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એકિટવ કેસનો આંક ઘટીને ૧૫૭૭ થયો છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાનાં દૈનિક કેસમાં ધરખમ ઘટાડો થતાં તંત્રએ રાહત અનુભવી છે.

જૂનાગઢ જિલ્લામાં મંગળવારે જૂનાગઢ સીટીનાં ૬૬ સહિત કુલ ૧૪૯ નવા કેસ નોંધાયા હતા. જેની સામે જૂનાગઢ શહેરના ૯૩ સહિત જિલ્લામાં કુલ ૧૪૯ કોરોના દર્દી સ્વસ્થ થયા હતા.

બુધવારે જિલ્લામાં કોરોનાના કેસની રફતાર ધીમી પડી ગઇ હતી. ગઇ કાલે જૂનાગઢ સીટીમાં ૩૮ સહિત જિલ્લામાં કુલ ૮૦ નવા કેસની એન્ટ્રી થઇ હતી.

આમ, જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કોરોનાએ પીછેહઠ કરતાં લોકોમાં ગભરાટ ઓછો થયો છે અને તંત્રએ રાહતનો દમ લીધો છે.

ગઇ કાલે જિલ્લામાં ૧૨૫ દર્દીએ કોરોનાને પરાજય આપ્યો હોય જેમાં સૌથી વધુ જૂનાગઢ સીટીનાં ૮૬ દર્દીઓ સમાવેશ થાય છે.

તા. ૨૬નાં રોજ જૂનાગઢ સીટીનાં ૧૦૧૫ તેમજ ગ્રામ્યના ૮૫૭ કુલ ૧૮૭૨ લોકોએ કોરોનાની વેકિસન લીધી હતી.

(10:46 am IST)