Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

પૂ. મોરારીબાપુએ લક્ષ્યદિપ ટાપુ પર ત્રિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રને સલામી આપી

આ પવિત્ર દિવસે તમામ ભારતવાસીઓને શુભેચ્છા પાઠવું છું : આ ઝંડો કાયમ માટે વિશ્વમાં ફરકતો રહે અને ઊંચો રહે તેવી શુભકામના પાઠવી

રાજકોટ તા. ૨૭ :  પૂ. મોરારીબાપુએ લક્ષ્યદિપ ટાપુ પર ત્રિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રને સલામી આપી હતી.લક્ષ્ય દ્વિપ ટાપુ સમૂહની ભુમિ પર પૂ.મોરારીબાપુ એ ફરકાવ્યો તિરંગો હતો.

આ પ્રસંગે પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતુ કે કોઈ મને પૂછે કે આપની દ્રષ્ટિએ રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગ છે એની શું વ્યાખ્યા હોઈ શકે તો હું એનો સાત્વિક તાત્વિક અને વાસ્તવિક અર્થ એવો કરીશ કે ઉપરનો જે ભગવો રંગ છે એ સત્ય નું પ્રતિક છે. સત્ય સૌથી ઉપર છે. વચ્ચે નો શ્વેત રંગ છે એ પ્રેમનું પ્રતિક છે. પ્રેમ ઉજ્જવળ હોય છે અને નિષ્કલંક હોવો જોઈએ. અંતમાં જે નીચેનો લીલો રંગ છે એ પુરી વનસ્પતિ લીલા રંગની છે. ધરતીને એટલે તો આપણે હરીભરી કહીએ છીએ. લીલો રંગ કરૂણાનું પ્રતિક છે. આપણાં ધ્વજની વચ્ચે જે ચક્ર છે તેનો કોઈ ગલત અર્થ ન કરે પણ આપણા દેશનું વિશ્વમાં સુદર્શન છે સુંદર દર્શન છે કે આ રાષ્ટ્ર કેટલું સુંદર છે, મહાન છે ! આજનાં આ પવિત્ર દિવસે તમામ ભારતવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આ ઝંડો કાયમ માટે વિશ્વમાં ફરકતો રહે અને ઊંચો રહે તેવી શુભકામના પાઠવું છું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે બાપુની રામકથા જયાં પણ યોજાય છે ત્યાં નવ દિવસ માટે રાષ્ટ્રધ્વજ કથા મંડપ પર ફરકતો રહે છે. ભારતમાં કે વિશ્વમાં કયાંય પણ રામકથા ચાલતી હોય ત્યારે પ્રતિ વર્ષ ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ પણ સૌ સાથે મળીને રાષ્ટ્રની વંદના અચૂક કરતા રહ્યા છે. એ પછી ચીન હોય અમેરિકા હોય બ્રિટન હોય કે બીજા કોઈ દેશ હોય કે ભારતમાં કોઈ પ્રાંત હોય. બાપુ અને રામકથાના શ્રોતાઓ દ્વારા રાષ્ટ્ર વંદના અચૂક કરવામાં આવી છે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

(10:50 am IST)