Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

કંડલાથી ભાવનગર મોકલાયેલા ત્રણ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી માટીની ભેળસેળઃ ૭ વિરૂધ્ધ ફરિયાદ

કોટડાસાંગાણી પોલીસે હડમતાલાની મે. વાસુકી ટ્રેડલિંકના મેનેજરની ફરિયાદ પરથી કંડલાના રાધીકા રોડલાઇનના ઇન્દ્રજીતસિંહ તથા ત્રણ ટ્રકોના માલિકો, ડ્રાઇવરો સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યોઃ રૂરલ એલસીબીને તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: કોટડાસાંગાણી તાબેના હડમતાલા જીઆઇડીસીમાં આવેલી કંપનીએ સિંગાપોરથી મંગાવેલો ઇમ્પોર્ટેડ સ્ટીમ કોલસો ત્રણ ટ્રક મારફત કંડલાથી ભાવનગર પહોંચાડવા રવાના કર્યો હોઇ ટ્રકોને રસ્તામાં કોઇપણ સ્થળે અટકાવી તેમાંથી કંપનીના શીલબંધ પેકીંગ તોડી કોલસો કાઢી લઇ તેની જગ્યાએ માટીની ભેળસેળ કરી દેવામાં આવતાં આ કોલસો ભાવનગર નિરમા લિમીટેડમાં પહોંચ્યા બાદ ત્યાંથી ગુણવત્તાયુકત માલ નથી તેમ કહી રીજેકટ કરી દેવામાં આવતાં હડમતાલાની કંપનીના મેનેજરે કંડલાની રોડલાઇનના સંચાલક-માલિક તથા જે ત્રણ ટ્રકો મારફત માલ રવાના કરાયો હતો એ ટ્રકોના માલિકો, ડ્રાઇવરો મળી ૭ જણા સામે ઠગાઇની ફરિયાદ કોટડા સાંગાણી પાલીસમાં નોંધાવી છે.

આ બનાવમાં પોલીસે રાજકોટ નવલનગર-૩ મહાકાળી ભુવન ખાતે રહેતાં અને કોટડા સાંગાણી તાબેન હડમતાળા ગામની જીઆઇડીસીમાં પ્લોટ નં. ૧૭-૧૮માં આવેલી મે. વાસુકી ટ્રેડલિંક પ્રા.લિ. કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં તેમજ આ કંપનીના ડીરેકટરોમાં કુલમુખત્યાર દરજ્જે પણ નિમાયેલા જસ્મીન બાલાશંકરભાઇ માઢક (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી રાધિકા રોડલાઇનના માલિક ઈન્દ્રસિંહ જાડેજા, ટ્રક નં. જીજે૧૨એટી-૯૨૮૪ના ડ્રાઇવર ડાયાભાઇ, ટ્રક નં. જીજે૧૨એટી-૯૨૮૪ના માલિક ભરત આહિર તથા પુના આહિર, ટ્રક નં. આરજે૫૦જીએ-૧૫૦૨ના ડ્રાઇવર અને માલિક લીલુસિંગ રાઠોડ (રહે. બીકાનેર રાજસ્થાન), ટ્રક નં. જીજે૧૨બીવી-૫૧૫૦ના માલિક સતાર રબારી (રહે. મારકણા તા. અંજાર) અને ટ્રક નં. જીજે૧૨બીવી-૫૧૫૦ના ડ્રાઇવર કાનજી રબારી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૧, ૪૬૨, ૧૧૪ મુજબ ઇમ્પોર્ટેટ કોલસો જે ભાવનગર પહોંચાડવાનો હતો તેમાંથી રસ્તામાં કોલસો કાઢી લઇ તેમાં માટીની ભેળસળ કરી છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્યો છે.

જસ્મીનભાઇ માઢકે ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ વાસુકી ટ્રેડલીંક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપનીનો ઇમ્પોર્ટેડ કોલસો ઇન્ડોનેશીયન ઓરિજનલ  (સ્ટીમ કોલસો) ૪૧૩૩ જીસીવી ગુણવત્તા વાળો સ્વીસ સિંગાપોરની કંપનીમાંથી કંડલા પોર્ટ ખાતે આવ્યો હતો. અમારી કંપનીનો સ્વીસ સીંગાપોર કંપનીમાંથી આવેલો કોલસો ભાવનગરની નિરમા લિમીટેડ ખાતે પહોંચાડવાનો હતો. આ માટે અમે રાધીકા રોડ લાઇનના ઇન્દ્રજીતસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેણે એક ટન લેખે રૂ. ૧૦૦૦ ભાડુ નક્કી કર્યુ હતું.

માલ ભરાયા પછી ટ્રક પરિવહન દરમિયાન માલ જે તે સ્થિતિમાં પહોંચાડવાની જવાબદારી સાથે ઇન્દ્રજીતસિંહના ટ્રાન્સપોર્ટને કામ આપ્યું હતું. આ પછી તેણે ભાડે મોકલેલા ટ્રક આરજે૫૦જીએ-૧૫૦૨માં ૩૪ ટન ૯૭૦ કી.ગ્રા. સ્ટીમ કોલસો જેની બજાર કિમત રૂ. ૩,૭૩,૮૨૯ થાય તે, તથા ટ્રક નં. જીજે૧૨એટી-૯૨૮૪માં ૨૫ ટન ૩૬૦ કિ.ગ્રા. કોલસો જેની બજાર કિમત રૂ. ૨,૭૧,૦૯૮ થાય તે માલ અને ટ્રક નં. જીજે૧૨બીવી-૫૧૫૦માં ૩૭ ટન ૩૪૦ કિ.ગ્રા. કોલસો જેની બજાર કિંમત રૂ. ૩,૯૯,૧૬૫ થાય તે અમારી કંપનીના સત્યેન્દ્ર ચોબેએ કંડલાથી ત્રણેય ટ્રકમાં ભરાવી આપ્યો હતો.

આ ત્રણેય ટ્રકનો કોલસો ભાવનગર નિરમા લિમીટેડમાં પહોંચાડવાનો હતો. પરંતુ કંડલાથી ટ્રક રવાના થયા બાદ રાધીકા રોડલાઇનના માલિક, ટ્રકના ડ્રાઇવરો, માલિકોએ મિલીભગત કરી રસ્તામાં કોઇપણ સ્થળે ટ્રક અટકાવી તેમાંથી ઇમ્પોર્ટેડ સ્ટીમ કોલસો કંપનીના શીલ તોડી કાઢી લઇ તેની જગ્યાએ માટીની ભેળસેળ કરી માલ ભાવનગર પહોંચાડી દીધો હતો. આ માલ ભાવનગર ખાતે પહોંચ્યા બાદ ત્યાંથી તા.૨૩/૧/૨૨ના રોજ ફોનથી અને ૨૪/૧/૨૨ના રોજ ઇ-મેઇલથી અમને જાણ થઇ હતી કે જે માલ તમે મોકલ્યો છે તે ગુણવત્તાવાળો ન હોઇ જેથી અમે સંભાળ્યો નથી અને માલ રિજેકટ કર્યો છે.

આથી અમે રાધીકા રોડલાઇનના માલિક, તેમણે જે ટ્રકમાં અમારો માલ ભરાવ્યો હતો એ ટ્રકોના માલિકો અને ડ્રાઇવરો મળી સાત જણાએ અમારી સાથે છેતરપંડી કરી હોવાની ફરિયાદ કરી છે. તેમ વધુમાં જસ્મીનભાઇ માઢકે ફરિયાદમાં જણાવતાં એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઇ એ. આર. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)