Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સોમવારે જુનાગઢ મનપાના મેયર સહિતનાં હોદેદારોની વરણીઃ સેન્સની પ્રક્રિયા પૂર્ણ

આ વખતે મેયર માટે એસસી અનામતઃ લોબીંગ શરૂ

(વિનુ જોશી) જુનાગઢ તા. ર૭ :.. આગામી સોમવારે જુનાગઢ મનપાનાં મેયર સહિતનાં હોદેદારોની વરણી થશે. આ માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

જુનાગઢ મહાનગરપાલિકાનાં વર્તમાન મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે. મેયર હિંમાશુભાઇ, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઇ પટોળીયા તથા દંડક ધરમણભાઇ ડાંગર, સહિતનાં હોદેદારોની પ્રથમ અઢી વર્ષની મુદત અગામી ૩૧ જાન્યુઆરીનાં રોજ પુર્ણ થઇ રહી છે.

આ દિવસે મનપાનું જનરલ બોર્ડ મળશે. જેમાં મહાનગરપાલિકાનાં આગામી મેયર સહિતનાં પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દરમ્યાનમાં શાસક ભાજપ દ્વારા મનપાનાં નવા મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિનાં અધ્યક્ષ શાસક પક્ષનાં નેતા, દંડક ઉપરાંત અન્ય સમિતિનાં ચેરમેન અને સભ્યની પસંદગી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નવા હોદેદારોની પસંદગી કરવા માટે બે દિવસ અગાઉ ભાજપનાં પ્રદેશ અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર સહિતનાં ભાજપનાં નિરીક્ષકોએ જુનાગઢ ખાતે સેન્સ લીધી હતી.

જેમાં પ્રદેશ નિરીક્ષકો બંધ બારણે ભાજપનાં નગરસેવકો, આગેવાનો- કાર્યકરોને મળ્યા હતાં. અને તેમની રજૂઆત સાંભળી હતી.

પ્રદેશ નિરીક્ષકો દ્વારા પ્રદેશ કક્ષાએ રીપોર્ટ રજૂ કરવામાં આવશે અને તેનાં આધારે જુનાગઢ મનપાનાં મેયર સહિતનાં હોદેદારોની પસંદગી યાદી ફાયનલ કરાશે. અને ૩૧ જાન્યુઆરીએ મળનારા જનરલ બોર્ડમાં હોદેદારો માટે વ્હીપ અપાશે.

આગામી અઢી વર્ષ માટે મેયર પદ એસસી અનામત છે. મહત્વના પદ મેળવવા માટે જોરદાર લોબીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળેલ છે.

(11:21 am IST)