Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રાજ્‍યના 2 મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ અને રાજેન્‍દ્ર ત્રિવેદીને સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્‍પિટલમાં ખસેડાયાઃ જો કે બંને ભયમુક્‍ત

સાવધાનીરૂપે તબીબો દેખભાળ કરી શકે તે માટે હોસ્‍પિટલમાં દાખલ કરાયા

જામનગર: કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે સરકારના અનેક મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં ચઢ્યા છે. જેમાંથી બે મંત્રીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. રાઘવજી પટેલને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોરોના થયો હતો. ત્યાકબાદ તેઓ પોતાના ઘરે સારવાર લઇ રહ્યા હતા. પરંતુ તેમને શ્વાસ લેવામાં થોડી તકલીફ થતા વિશેષ કાળજી અને સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની તબિયત સારી હોવાનું અને ચિંતાજનક નથી તેવું પરિવારજનો જણાવી રહ્યા છે.

બીજી બાજુ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. બન્ને સિનિયર નેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે સરકારના બન્ને મંત્રીઓની સિનિયર ડોકટરની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. બંનેની તબિયત સારી છે પરંતુ સાવધાનીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધીમાં સરકારના મંત્રી નિમિષા સુથાર, હર્ષ સંઘવી, આર.સી. મકવાણા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં અનિલ જોશીયારા, વિક્રમ માડમ, પ્રતાપ દૂધાતનો સમાવેશ થાય છે.

(4:23 pm IST)