Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

કિર્તીમાનો સ્‍થાપીને સુરાજ્‍યની દિશામાં આગળ વધતો ભારત દેશઃ કે.સી. સંપટ

સુરેન્‍દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને ૭૪માં પ્રજાસત્તાક પર્વની આન,બાન,શાન સાથે ઉજવણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૭: સુરેન્‍દ્રનગર જિલ્લાનાં પાટડી ખાતે કલેકટરશ્રી કે.સી સંપટનાં અધ્‍યક્ષસ્‍થાને ૭૪ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રી કે.સી. સંપટે પાટડી સુરજમલજી હાઈસ્‍કૂલ ખાતે ધ્‍વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત પણ સાથે જોડાયા હતા. આ નિમિત્તે પાટડી તાલુકાની વિવિધ કોલેજ-સ્‍કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્‍તિની સાંસ્‍કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્‍તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્‍તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. જિલ્લાના કૃષિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, પી.જી.વી.સી.એલ સહિતના વિભાગો દ્વારા ટેબ્‍લો પ્રદર્શિત કરવામાં આવ્‍યા હતાં.

આ રાષ્‍ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે સૌને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધી અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્‍વમાં લડાયેલી આઝાદીની લડતમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપ્‍યા પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડાઙ્ઘ.બાબા સાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્‍ણાત અને વિદ્વાનો દ્વારા આજથી ૭૩ વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્‍યું હતું આજે ભારતના બંધારણની ૭૪ મી જયંતિ છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વના લોકતંત્ર દેશો માટે આદર્શ નમૂનારૂપ બની રહ્યું છે. અનેક કીર્તિમાનો સ્‍થાપી આપણો દેશ સુરાજયની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. ઞ્‍૨૦ સમિટનું આયોજન કરી આપણે વધુ એક સફળતાનું સોપાન મેળવ્‍યું છે.

ગુજરાતની વિકાસ યાત્રા વિશે વાત કરતાં જિલ્લા સમાહર્તાએ જણાવ્‍યું હતું કે, શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્‍તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલતો હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત સિદ્ધિના સોપાનો સર કરી રહ્યું છે.

૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્‍તે સુરેન્‍દ્રનગર જિલ્લાનાં વિવિધ વિભાગનાં અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્‍તિપત્ર દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે જિલ્લાનાં સ્‍વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું પણ બહુમાન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોનાં હસ્‍તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.ᅠ

આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી પી.કે.પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી ડી.આઇ. ભગલાણી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધવલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી મૌલેશભાઈ પરીખ, અગ્રણી સર્વશ્રી દિલીપભાઈ પટેલ, સોનાજી ઠાકોર સહિત રાષ્‍ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્‍થિત રહયા હતાં.

૬૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ સહિત જિલ્લા માહિતી કચેરીના ૨ કર્મચારીનું સન્‍માન

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરજમલજી હાઇસ્‍કુલ - પાટડી ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે જિલ્લાનાં ૬૦ થી વધુ અધિકારી-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્‍તે પ્રશસ્‍તિપત્ર આપી આ ૬૦ થી વધુ કર્મયોગીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.ᅠ

જિલ્લા કલેક્‍ટરશ્રીએ આ તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવતા આ જ પ્રમાણે સારી કામગીરી કરતા રહેવા અને અન્‍યોને માટે પ્રેરણારૂપ બનવા જણાવ્‍યું હતું.

સરકારની કલ્‍યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત સારી કામગીરી બદલ સુરેન્‍દ્રનગર જિલ્લા માહિતી કચેરીનાં કર્મચારીઓને પ્રશસ્‍તિપત્રો આપી સન્‍માનિત કરાયા હતા

આ પ્રસંગે સરકારની કલ્‍યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત ઉત્તમ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર શક્‍તિ મુંધવા, માહિતી મદદનીશ અરૂણા ડાવરાને પ્રશસ્‍તિપત્ર એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(10:54 am IST)