Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબીના પ્રેમજીનગર ગામે પતિ દ્વારા પત્‍નીની હત્‍યા

મકાન વેચાણના રૂપિયા બાબતે ઝઘડો થતાં ગંગાબેનને પતિ રામજીભાઇ રાણવાએ છરી ઝીંકી ઢિમ ઢાળી દિધુ : ધરપકડ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૭ : મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામના રહેવાસી શ્રમિક પરિવારમાં દંપતી વચ્‍ચે ઝઘડો થયો હતો જેમાં પોતાનું મકાન વહેંચેલ હોય જેના રૂપિયા બાબતે પત્‍ની સાથે ઝઘડો થતા છરીનો ઘા મારી હત્‍યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

મૂળ ટંકારાના મોટા રામપરના વતની અને હાલ પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા જીતેન્‍દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રામજીભાઈ રાણવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જીતેન્‍દ્ર ભાઈ અને તેના પિતા રામજીભાઈ રાણવા કડીયાકામ કરતા હોય કોન્‍ટ્રાકટર મોતીભાઈ રહે રફાળેશ્વર વાળા સાથે કડિયાકામ માટે ગત તા. ૨૫ ના રોજ ગયા હતા અને કડીયાકામ પૂરું કરીને સાંજના સાડા સાતેક વાગ્‍યે ઘરે આવતા ફરિયાદીના માતા ગંગાબેન લોહીલુહાણ હાલતમાં પડ્‍યા હતા જેથી જીતેન્‍દ્રભાઈએ માતાને ખોળામાં લીધા હતા ત્‍યારે આરોપી પિતા રામજીભાઈએ આવીને કહ્યું હતું કે આપણે જે મકાન વહેંચેલ તેના પૈસા બાબતે તારી મમ્‍મી સાથે ઝઘડો થયો છે કહીને તેઓ ભાગવા જતા ફરિયાદી પોતાના પિતાને પકડવા ગયા હતા પરંતુ તેઓ નાસી ગયા હતા અને માતા લોહીલુહાણ હોવાથી ૧૦૮ મારફત હોસ્‍પિટલ લાવ્‍યા હતા જયાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા.

મૂળ ગામ રામપર ખાતે મકાન આવેલ હતું તે મકાન પંદરેક દિવસ પહેલા વહેંચ્‍યું હોય જેનો ઝઘડો થતા ફરિયાદીના પિતા આરોપી રામજીભાઈ ચકુભાઈ રાણવાએ પત્‍ની ગંગાબેનને છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હત્‍યા કરી હતી મોરબી તાલુકા પોલીસે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી તથા સ્‍ટાફે ગણત્રીના કલાકોમાં જ હત્‍યા કરનાર પતિ રામજી રાણવાને ઝડપી લીધો હતો.

(11:22 am IST)