Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

લગ્નમાં જતા પરિવારને અકસ્‍માત : સાસુ-જમાઇ સહિત બાળકનું મોત

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ફરી થયો રકત્તરંજિત : જાયવાના લૈયારા વચ્‍ચે ચાલુ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા સર્જાયો ભયાનક અકસ્‍માતઃ બે ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત : અકસ્‍માત એટલો ગંભીર હતો કે કારનો ભૂક્કો બોલી ગયોઃ બાળકો અને એક વૃધ્‍ધા ગંભીર રીતે ઘાયલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૨૭ : જામનગર જીલ્લાના ધ્રોલ પંથકમાં એક સપ્તાહમાં ગમખ્‍વાર અકસ્‍માતની બીજી ઘટના સામે આવી છે.જેમાં મળતી માહિતી અનુસાર ગતરાત્રીના ૧૦ વાગ્‍યાના આસપાસ ધ્રોલના જાયવા લૈયારા વચ્‍ચે આશાપુરા હોટલ નજીક અકસ્‍માત થયો રાજકોટ લગ્નપ્રસંગમાં થી પરત જામનગર આવી રહેલ મૂળ જામનગરમાં જ રહેતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી અને કારમાં સવાર એક મહિલા, એક પુરુષનું સ્‍થળ પર જ મોત નીપજયું છે, જયારે એક બે વર્ષની બાળકીને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવી રહી હતી તે દરમિયાન રસ્‍તામાં જ મોત નીપજયાનું જાહેર થયું છે.ઘટનાની જાણ થતા તુરત જ ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા સહિતનો સ્‍ટાફ ઘટનાસ્‍થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આ ગોઝારા અકસ્‍માતની વધુ વિગત મુજબ, લગ્ન પ્રસંગમાં જતા પરિવારનો માળો અધવચ્‍ચે જ વિખેરાઇ ગયો છે. અકસ્‍માતની ગોઝારી ઘટનામાં સાસુ-જમાઇના ઘટનાસ્‍થળે મોત થયા છે. જયારે અન્‍ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જેમાં સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત થયું છે. અકસ્‍માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્‍યો સર્જાયા હતા.

જામનગરનો પરિવાર કાર લઈ મોડી રાત્રે રાજકોટ લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો. ધ્રોલથી લૈયારા જાયવા હાઈવે પાસે આવેલી આશાપુરા હોટલ સામે કાર ચાલુ ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્‍માત એટલો ગંભીર હતો કે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કારનો ભૂક્કો બોલી ગયો હતો અને ઘટનાસ્‍થળે પર જ કારમાં સવાર ૭ પૈકી બે લોકોના મોત થયા હતા. જયારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયાં એક બાળકનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ મૃતકોમાં સાસુ-જમાઇ અને એક બાળકનો સમાવેશ થાય છે. જયારે એક બાળકો અને એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્‍માતના પગલે પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડ્‍યા હતા, જયારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બે મહિના અગાઉ પણ ધ્રોલ નજીક ભયંકર અકસ્‍માત થયો હતો

જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક બે મહિના અગાઉ પણ ભયંકર અકસ્‍માત થયો હતો. પૂરઝડપે આવતી કાર રસ્‍તા પરથી ઉતરી જતાં કારમાં સવાર ચાર પૈકી એક બાળક સહિત બે લોકોના મોત નીપજયા હતા, જયારે અન્‍ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થતાં તેઓને સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

સાઢુભાઇની દિકરીના લગ્નમાંથી પરત ફરતી વેળાએ

સર્જાઇ કરૂણાંતિકા

બે વર્ષની બાળકી સહિત ત્રણના મોત, ચાર ઘાયલ, બેને જામનગરની જી.જી.હોસ્‍પિટલ તેમજબે ગંભીર રીતે ઘાયલ વ્‍યક્‍તિને રાજકોટ વધુ સારવાર માટે ખસેડાયા છે.

ધ્રોલ પંથકના જાયવા નજીક ગુરૂવારે રાત્રે ૧૦-૧૫ કલાક આસપાસ એક કાર ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો જેમાં ત્રણના મોત અને ચાર વ્‍યક્‍તિ ઘાયલ થઇ છે.

સાઢુભાઇની દિકરીના લગ્નમાંથી પરત ફરતી વેળાએ આ અકસ્‍માત સર્જાયો હતો જેમાં જામનગરના વાલેકશ્રરીનગરીમાં રહેતા નયનભાઇ દેવરાજભાઇ મેડીયા (ઉવ.૫૫), મુકતાબેન ગીરધરભાઇ રામોલીયા (ઉવ.૭૫) અને આરવી રવીભાઇ મેડીયા (ઉવ.૨) નામની વ્‍યક્‍તિના આ ગમખ્‍વાર અકસ્‍માતમાં મૃત્‍યુ નિપજયું છે.

જયારે નયનાબેન નયનભાઇ મેડીયા, રવિભાઇ નયનભાઇ મેડીયા, વિધિ રવિભાઇ મેડીયા અને આરવ રવિભાઇ મેડીયા નામના ચાર વ્‍યકિત ઘાયલ થયા છે આમાંથી બે ગંભીર હોય જેઓને રાજકોટની સીનર્જી હોસ્‍પિટલમાં વધુ સારવાર માટે રીફર કરાયા છે.

(4:02 pm IST)