Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

માનસિક અસ્‍વસ્‍થ વૃધ્‍ધ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું જામનગર ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : જામનગર જીલ્લાના ગાંધીનગર વિસ્‍તારના ખોડીયાર પ્રસંગ હોલની પાસેથી તા.૨૨-૦૧-૨૦૨૩ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇનની ટીમને માનસિક અસ્‍વસ્‍થ અને વૃધ્‍ધ મહિલા મળી આવ્‍યા હતા. જેની સુરક્ષા અને સલામતીને ધ્‍યાનમાં રાખીને અભયમ મહિલા હેલ્‍પલાઇનની ટીમ દ્વારા વૃદ્ધાને આશ્રય માટે જામનગર ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટરમાં આશ્રય આપવામાં આવેલ.

જામનગર ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટર દ્વારા વૃદ્ધાનું કાઉન્‍સેલિંગ કરતા તેઓ ખુબ ડરી ગયેલ પરિસ્‍થિતિમાં હોવાથી સેન્‍ટર દ્વારા તેણીને સાંત્‍વના પાઠવી યોગ્‍ય વાતાવરણમાં ઢાળવામાં આવેલ. બાદમાં સેન્‍ટરના વર્કર દ્વારા વાતચીત કરતા વૃદ્ધાએ  જણાવેલ કે તે હાલ રાજસ્‍થાનના ઉદયપુર તાલુકાના વતની છે. તેણીની ઉંમર આશરે ૫૫ વર્ષ હોય અને માનસિકની દવા ચાલુ હોય હોવાથી તેમના પતિ સાથે તેમના સગાને ત્‍યાં અમદાવાદમાં દવા લેવા માટે આવેલ. અને પતિથી વિખુટા પડી જતાં ભૂલથી જામનગરની બસમાં બેસી ગયા હતા.

જામનગર ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા વૃદ્ધાને સખી જેવું વાતાવરણ આપીને તેમને ભોજન કરવી વિશ્વાસ અપાવેલ કે તેઓ ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટરમાં સુરક્ષિત છે અને તેઓને ઘરે પહોંચાડવા તેમની સંપૂર્ણ મદદ કરશે. સેન્‍ટર દ્વારા તેમનું સરનામું પુછતા પોતાનું સરનામું યાદ ન હોય તેથી સેન્‍ટર દ્વારા આશ્વાસન આપેલ બાદમાં વૃદ્ધાએ જણાવેલ કે તેઓ રાજસ્‍થાનમાં ઉદયપુરના ભોપાલપુરા વિસ્‍તારના હોય પરંતુ પરિવારના સભ્‍યોનો સંપર્ક નંબર યાદ ન હોય જામનગર ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા ઈન્‍ટરનેટના માધ્‍યમથી રાજસ્‍થાન રાજયના ઉદયપુરમાં આવેલ સુરજપુલ પોલીસ-સ્‍ટેશનનો સંપર્ક સાધેલ. સુરજપુલ પોલીસ-સ્‍ટેશન દ્વારા જાણવા મળેલ કે બહેનના વિસ્‍તારમાં અન્‍ય પોલીસ-સ્‍ટેશન લાગુ પડતું હોય તેથી સુરજપુલ પોલીસ-સ્‍ટેશન દ્વારા ભોપાલપુરા વિસ્‍તારના પોલીસ-સ્‍ટેશનનો સંપર્ક સાધેલ.

 ત્‍યારબાદ જામનગર જીલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાનો ફોટો ભોપાલપુરા પોલીસ-સ્‍ટેશનમાં મોકલતા ત્‍યાંથી તેમના પરિવારજનોનો સંપર્ક નંબર મેળવી તેણીના મોટા પુત્ર સાથે વાતચીત કરતાં જાણવા મળેલ કે તેઓ અમદાવાદમાં પોતાની માતાને શોધી રહ્યાં છે. બાદમાં વૃદ્ધાના પુત્ર અને પતિ જામનગર ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટર પર આવતા સેન્‍ટર દ્વારા વૃદ્ધાના પરિવારને યોગ્‍ય માર્ગદર્શન આપી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતા પુત્ર અને પતિએ લાગણીપૂર્વક જામનગર ‘સખી' વન સ્‍ટોપ સેન્‍ટરનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(11:52 am IST)